સુરત અને નવસારી લોકસભા બેઠકમાં કોંગ્રેસ અને ભાજપ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને નવસારી લોકસભા બેઠકમાં આવનાર મુસ્લિમ વિસ્તારોની મહિલાઓ ભાજપની સભાઓમાં ખેસ અને હાથમાં પોસ્ટર લઇ જોવા મળી રહી છે. આ મુસ્લિમ મહિલાઓના હાથમાં રહેલા પોસ્ટરમાં લખ્યુ છે કે, 'હું ચોકીદાર છું તમે પણ ચોકીદાર બનો' સાથે 'સ્વચ્છ ભારતના દાવેદાર બનો તમે પણ ચોકીદાર બનો' જેવા સ્લોગનો પોસ્ટરના માધ્યમથી જોવા મળી રહ્યા છે.
આ બાબતે રાજનૈતિક પંડિતોનું ગણિત બતાવે છે કે, ભાજપને મુસ્લિમ મત તેટલા મળતા નથી જેટલી ભાજપ અપેક્ષા હંમેશા કરતી હોય છે. તેમ છતાં ભાજપની સભાઓ અને પ્રચારોમાં નવસારી ખાતે મુસ્લિમ મહિલાઓ મોટી સંખ્યામાં જોવા મળી રહી છે. મુસ્લિમ મહિલાઓનું માનીએ તો, તેઓ વડાપ્રધાનની કાર્યશૈલીથી ખૂબ જ પ્રભાવિત છે, તેઓ સરિયતના કાનૂનમાં માને છે, પરંતુ વડાપ્રધાને મુસ્લિમ મહિલાઓ માટે ત્રિપલ તલ્લાકનો કાયદો લાવી ન્યાય અપાવ્યો છે તે ખરેખર પ્રસંશનીય કામગીરી છે.