- ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારનો ઘા કરી કરવામાં આવી હત્યા
- હત્યા કોણે અને શા માટે કરી તેની પોલીસે શરૂ કરી તપાસ
- શોધખોળ બાદ વાંકાનેડા નજીક અંત્રોલી ગામની સીમમાંથી મળ્યો મૃતદેહ
બારડોલી : સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં વાંકાનેડા નજીક અંત્રોલી ગામની સીમમાં ચલથાણ લક્ષ્મી નગર ખાતે રહેતા 30 વર્ષીય યુવાનની ગળું કાપી છાતીના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઘા કરી હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા કડોદરા પોલીસ તેમજ LCB અને SOGની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. હત્યાનું કારણ હાલ જાણી શકાયું નથી. પરંતુ પોલીસ પરિવારના સભ્યો અને અન્ય મિત્રોની પૂછતાછ કરી રહી છે. આ અંગે મળતી માહિતી અનુસાર સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં ચલથાણ લક્ષ્મી નગર સોસાયટીના પ્લોટ નંબર 283માં રહેતા રણજીતભાઈ સુરેશભાઈ જાધવ (ઉ.વર્ષ 30) જેઓ સુરતમાં અલગ અલગ એમ્બ્રોડરીના કારખાનાઓમાં છૂટક ડિઝાઇનિંગનું કામ કરે છે.
પાંચ દસ મિનિટમાં આવું છું એમ કહી નીકળ્યા બાદ યુવક પરત ન ફર્યો
ગત 3જી ડિસેમ્બરના રોજ રાત્રીના 8.30 વાગ્યાના અરસામાં ઘરે આવ્યા બાદ ઘરમાં પરિવારના સભ્યોને જણાવ્યુ હતું કે, હું ટીવી વાળાને ત્યાં જાઉં છું, પાંચ દસ મિનિટમાં આવું છું. એમ કહી ઘરેથી મોપેડ લઈને નીકળ્યો હતો. ત્યારબાદ તે પરત નહીં આવતા નવેક વાગ્યાના અરસામાં તેની પત્નીએ મોબાઇલ ફોન પર સંપર્ક કર્યો હતો. પરંતુ તેનો ફોન બંધ આવતા પરિવારના સભ્યોએ તેની શોધખોળ હાથ ધરી હતી. જોકે, તેનો કોઈ અત્તોપત્તો લાગ્યો નહીં.
અવાવરુ રસ્તા પરથી યુવકનો મોપેડ સાથે મળ્યો મૃતદેહ
આ દરમ્યાન શુક્રવારે સવારે 10 વાગ્યાની આસપાસ વાંકાનેડાથી કરાડા ગામ તરફ જતાં આંતરિક રસ્તા ઉપર અંત્રોલી ગામની સીમમાં નહેરની બાજુમાં રણજીતનો મૃતદેહ પડ્યો હોવાની જાણ પરિવારના સભ્યોને થતાં સ્થળ પર જઈને ખાતરી કર્યા બાદ કડોદરા પોલીસને જાણ કરાતા કડોદરા પોલીસ સ્ટેશનના પી.આઈ. એ.પી. બ્રહ્મભટ્ટ તથા પોલીસ સ્ટાફના માણસો ઘટના સ્થળે પહોંચ્યા હતા.
તપાસ માટે એલસીબી અને એસઓજીની ટીમ પહોંચી
સુરત જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશ્યલ ઓપરેશન ગૃપની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. જ્યાં તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, રણજીતના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા કરી હત્યા કરાઇ હતી. તેનું ગળું કાપી નાંખવામાં આવ્યું હતું. આ ઉપરાંત છાતી તેમજ હાથના ભાગે પણ ઇજાના નિશાન હતા. મોપેડ ઉપર પણ લોહીના ડાઘા હતા.
હત્યાનું કારણ સ્પષ્ટ નથી
પ્રાથમિક તપાસમાં હત્યા અંગેનું કારણ સ્પષ્ટ થયું નથી. પોલીસે તેમના પિતાની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે, અને પરિવારના સભ્યોની પૂછતાછ શરૂ કરી છે.
અનૈતિક સંબંધને કારણે હત્યા થઈ હોવાની સંભાવના
હત્યાની મોડેસ ઓપરેન્ડી જોતાં તેની પાછળ અનૈતિક સંબંધ હોવાનું પણ નકારી શકાય તેમ નથી. જોકે, પોલીસ હાલ કંઈ કહેવા માગતી નથી. જે જગ્યાએ હત્યા થઈ છે, તે અવાવરુ જગ્યા છે. ત્યાં કઈ રીતે મોપેડ લઈને રણજીત પહોંચ્યો તે પણ તપાસનો વિષય બન્યો છે. રણજીત પરિણીત હતો અને બે સંતાન હોવાનું પણ જાણવા મળ્યું છે.
હત્યા બાદ રણજીતનો મોબાઇલ ફોન ગાયબ
હત્યા બાદ રણજીતનો મોબાઇલ ફોન ગાયબ છે. પોલીસે સ્થળ પર આવી ટેકનિકલ ડેટા પણ મેળવવાની તજવીજ હાથ ધરી છે. જોકે, પ્રાથમિક તબક્કે કોઈ સાથે તેમનો અણબનાવ કે, ઝઘડો હોવાનું પરિવારના સભ્યો નકારી રહ્યા છે.