સુરત : બારડોલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગાંધીનગરથી ઈ-માધ્યમ થકી રાજ્યવ્યાપી 'મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના'નો પ્રારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં જય અંબે સખી મંડળ- ઝરીમોરા, ગજાનન સખી મંડળ-કડોદ, શ્રી સખી મંડળ-નસુરા, જય જલારામ સખી મંડળ-વઢવાણીયા એમ ચાર સ્વસહાય જૂથોને પ્રત્યેકને રૂપિયા એક લાખના ધિરાણના ચેક અર્પણ કરાયા હતા.
જે સંદર્ભે બારડોલી તાલુકા પંચાયત ખાતે આયોજિત કાર્યક્રમમાં ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું હતું કે, આ યોજના હેઠળ પ્રત્યેક માતા-બહેનોને પોતાનો નાનો મોટો વ્યવસાય, ગૃહ ઉદ્યોગ, વેપાર શરૂ કરવા- વગર વ્યાજે લોન ધિરાણ મળી રહેશે. મહિલા ઉત્કર્ષ યોજના થકી આત્મનિર્ભર ભારતના વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાતની મહિલા શક્તિ અગ્રેસર રહેશે એમ જણાવતાં તેમણે ઉમેર્યું કે, આ બેંક લોનનું વ્યાજ રાજ્ય સરકાર ભોગવશે. લોન માટે જરૂરી સ્ટેમ્પ ડ્યુટીમાં માફી પણ અપાશે. મહિલા જૂથ દીઠ રૂપિયા એક લાખનું લોન-ધિરાણ સરકારી, સહકારી, ખાનગી બેંકો, આરબીઆઈ માન્ય ધિરાણ સંસ્થાઓમાંથી મહિલાઓને આપવામાં આવશે.
તે ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 70માં જન્મદિવસની શુભકામનાઓ પાઠવતા ઇશ્વરભાઇએ જણાવ્યું કે, વડાપ્રધાને રાષ્ટ્રીય કક્ષાએ મહિલાઓ માટે લીધેલા શ્રેણીબધ્ધ પગલાંઓથી દેશની કરોડો મહિલાઓ સ્વમાનભેર જીવન જીવી રહી છે. તેમણે કોરોના સંકટ પછીની બદલાયેલી આર્થિક અને સામાજિક જીવનશૈલીમાં રાજ્યની નારીશક્તિને આ યોજના આત્મનિર્ભર બનાવી પરિવારની સમૃદ્ધિના દ્વાર ખોલશે એમ, દ્રઢ વિશ્વાસ વ્યકત કર્યો હતો. આ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના રાજ્યના એક લાખ જેટલા મહિલા સ્વસહાયતા જૂથોને પ્રત્યેકને રૂપિયા એક લાખનું આર્થિક ધિરાણ આજીવિકામાં વધારો કરતી પ્રવૃત્તિઓ માટે આપીને, જૂથો સાથે સંકળાયેલી રાજ્યની 10 લાખ મહિલાઓને આર્થિક સશક્તિકરણ કરશે. આ યોજના હેઠળ રાજ્યની 10 લાખ મહિલાઓને આવરી લઈ રૂપિયા 1000 કરોડનું ધિરાણ આપવાનો લક્ષ્યાંક છે.
આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ઇ. નિયામક એન.આર.પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ રમીલાબેન રાઠોડ, મહિલા ઉત્કર્ષ યોજનાના દક્ષિણ ગુજરાતના કમીટી મેમ્બર ઉર્વશીબેન પટેલ, પ્રાંત અધિકારી વી.એન.રબારી, મામલતદાર જિજ્ઞાબેન પરમાર, અગ્રણી ભાવેશભાઈ પટેલ સહિત વિવિધ સખીમંડળોના મહિલા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.