સુરત : રાજ્યમાં સાઉથ-વેસ્ટ મોન્સૂન સક્રિય થઇ રહ્યું છે. સુરતમાં ગઈકાલે સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું. સાંજ થતાની સાથે એકાએક ઝરમર ઝરમર વરસાદે દસ્તક આપતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ત્યારબાદ મોડી રાતે પણ વરસાદ શરુ રહ્યો હતો. આજ સવાર થતાની સાથે જ ચોમાસાનું આગમન થઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે. વહેલી સવારથી જ સમગ્ર સુરત શહેરમાં વરસાદ વર્ષી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી ભારે ગરમી પડી રહી હતી અને જેને કારણે લોકો ભારે બફારો અનુભવી રહ્યા હતા. ત્યારે વરસાદ આવતા લોકોમાં ઉત્સાહ પણ જોવામાં મળી રહ્યો છે.
ચાર દિવસ વરસાદની આગાહી : હવામાન વિભાગ દ્વારા 27 તારીખથી દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન થશે તેવી આગાહી કરવામાં આવી છે. ઉપરાંત આગામી ચાર દિવસ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. બિપરજોય વાવાઝોડાના લીધે ચોમાસું ખેંચાઈ ગયું હતું. હવે ચોમાસાના વરસાદની ગતિવિધિ શરૂ થઇ છે. ત્યારે ગઈકાલે શહેરનું મહત્તમ તાપમાન 32.8 ડિગ્રી અને લઘુતમ 26 ડિગ્રી નોંધાયું હતું. સાઉથ-વેસ્ટ દિશાથી 10 કિમી ઝડપે પવન ફૂંકાયો હતો.
3 મીમી વરસાદ ખાબક્યો : સુરતમાં ચોમાસાનું આગમન થઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે. વહેલી સવારથી જ સમગ્ર સુરત શહેરમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અત્યાર સુધી સુરત શહેરમાં 3 મીમી વરસાદ પડી ચૂક્યો છે. હાલ પણ ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે. આગામી ચાર દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
ખેડૂતોને વાવણીનો સમય : ચોમાસાના પ્રારંભે વરસાદ સારો વરસે તો ખેડૂતો વાવણી કરી શકે. ઉલ્લેખનીય છે કે, બિપરજોય વાવાઝોડાના કારણે મેઘરાજા હાથતાળી આપી ચાલ્યા ગયા હતા. ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. હાલ ફરી સારો વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોને બફારાથી રાહત થઈ હતી.
Gujarat Monsoon : ગુજરાતમાં ચોમાસું દસ દિવસ પડી શકે છે મોડું, જૂઓ શા માટે
Gujarat Weather: હજુ પાંચ દિવસ ગરમી રહેશે યથાવત, જરૂરી કામ સિવાય બહાર ન નીકળવા સલાહ