અઠવા પોલીસેની ટીમે પેટ્રોલીંગ દરમિયાન શહેરમાં મોબાઈલ સ્નેચિંગ જેવા ગુનાઓને અંજામ આપતી ટોળકીના સાગરીતોને ઝડપી પાડ્યા હતા. જેમાં બે આરોપીઓને ભાગા તળાવ સ્થિત જનતા માર્કેટમાંથી ચોરીના 6 જેટલા મોબાઈલ સાથે ઝડપી પાડયા હતા.
પોલીસે રીસીવર સહિત ત્રણ આરોપી પાસેથી સ્નેચિંગ અને લૂંટના ગુનાના કુલ 86 જેટલા મોબાઈલ ફોન કબ્જે કરી 7 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓની પુછપરછમાં અઠવા પોલીસ મથકની હદમાં નોંધાયેલ ગુના સહિત કુલ 7 મોબાઈલ સ્નેચિંગના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે. અઠવા પોલીસ દ્વારા આરોપીઓના રિમાન્ડ મેળવવાની દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યાં રિમાન્ડ દરમિયાન અન્ય ગુનાઓ પણ ઉકેલાઈ તેવી શકયતા પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
મોબાઈલ સ્નેચિંગના ગુનામાં ઝડપાયેલ વિજય મનસુખ નૈચારણ અને અંકિત ઉર્ફે રાહુલ રાય નામના આરોપીઓએ અઠવા પોલીસ મથકની હદમાં મોબાઈલની લૂંટ કરી હતી. પોલીસની પુછપરછમાં લાલુ મોહમ્મદ અનવર સાયકલવાળા નામના આરોપીનું નામ બહાર આવ્યું હતું. જ્યાં લાલુ નામના આરોપી પાસેથી 80 જેટલા ચોરીના મોબાઈલ પોલીસે જપ્ત કર્યા હતા. પોલીસ પુછપરછમાં બહાર આવ્યું છે કે, મોહમ્મદ નૂર આરોપીઓ પાસેથી સ્નેચિંગ કરેલા મોબાઈલ સસ્તા ભાવે ખરીદી કરતો હતો જે બાદમાં અન્ય ઇસમોને ઊંચા ભાવે વેચાણ કરતો હતો.
અઠવા પોલીસની પુછપરછમાં આરોપીઓએ અઠવા સહિત શહેરમાં કુલ 6 જેટલા મોબાઈલ સ્નેચિંગ અને લૂંટ જેવા ગુનાઓને અંજામ આપી ચુક્યા છે. જેમાં અઠવાલાઇન્સ, અડાજણ, વરાછા અને સરથાણા વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગ જેવા ગુનાઓનો સમાવેશ થાય છે. આરોપીઓ સ્નેચીગ કરેલ મોબાઈલ તાત્કાલિક રીસીવરને સસ્તા ભાવે વેચી રોકડી કરી લેતા હતા.જ્યારે રીસીવર ચોરીના આ મોબાઈલ અન્ય ઈસમોને વેચી મોટી રોકડી કરતો હતો. મહત્વની વાત છે કે, આરોપીઓએ એક જ અઠવાડિયામાં 85 જેટલા મોબાઈલ સ્નેચિંગ કર્યા હતા.
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, રીસીવર અને પોલીસના હાથ ઝડપાયેલ મોહમ્મદ નૂર નામનો આરોપી ચોરીના મોબાઇલ સૌ પ્રથમ ભરૂચ અને ત્યારબાદ આફ્રિકા મોકલતો હોવાનું બહાર આવ્યુ છે. જેથી મોબાઈલ સ્નેચિંગનો આ સૌથી મોટું રેકેટ ચાલી રહ્યું હોવાની શક્યતા પણ છે. સુરતમાં મોબાઈલ સ્નેચિંગના બનાવોમાં વધારો નોંધાઇ રહ્યો છે, ત્યારે આ રેકેટ એક આંતરરાષ્ટ્રીય કક્ષાએ ચાલી રહ્યું હોવાનું પણ અનુમાન છે. જેથી આ બધું પોલીસ માટે તપાસનો વિષય બની ગયો છે.