સુરત : માંગરોળ તાલુકામાં તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીને લઈને તાલુકાનું રાજકારણ ગરમાયું છે. દરેક વ્યક્તિ દ્વારા પોતે અથવા પોતાના માણસને સત્તા મળે એ માટે એડીચોટીનું જોર લગાવવામાં રહ્યું છે. પંચાયતના માંગરોળ પ્રમુખ તાલુકા પદ માટે સત્તાધારી ભાજપ પક્ષના ચાર જેટલા ચૂંટાયેલા સભ્યોએ સેન્સ પ્રક્રિયા દરમિયાન દાવેદારી કરી છે. જ્યારે ઉપપ્રમુખ પદ માટે ત્રણ સભ્યો અને કારોબારી અધ્યક્ષ પદ માટે ત્રણ સભ્યોએ પોતાની દાવેદારી નોંધાવી છે.
તાલુકા પંચાયત ચૂંટણી : માંગરોળ તાલુકા પંચાયતની અગાઉ યોજાયેલ ચૂંટણીમાં ભાજપ પક્ષે 19 જેટલી બેઠકો જીતી સત્તા પ્રાપ્ત કરી હતી. જ્યારે વિરોધ પક્ષ કોંગ્રેસના 5 સભ્યો ચૂંટાયા હતા. અઢી વર્ષની ટર્મ પૂરી થતા નવી ચૂંટણી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. જેમાં પ્રમુખ ઉપપ્રમુખ પદ માટે તારીખ 13 સપ્ટેમ્બરના રોજ સવારે 11 થી 2 દરમિયાન ઉમેદવારો ઉમેદવારી નોંધાવી શકશે. અને 2 થી ૩ દરમિયાન ઉમેદવારી પત્રોની ચકાસણી થશે.
પ્રમુખ પદના દાવેદાર : તારીખ 14 સપ્ટેમ્બરના રોજ ચૂંટણી પ્રક્રિયા શરુ થનાર છે. પરંતુ તે પહેલા સત્તાધારી ભાજપ પક્ષે સેન્સ પ્રક્રિયા શરૂ કરી હતી. જેમાં પ્રમુખ પદ માટે વડ બેઠક ઉપરથી ચૂંટાયેલા દીપકભાઈ ચૌધરી, માંડણ બોરીયા બેઠક ઉપરથી મુકેશ ગામીત, ઘોડબાર બેઠક ઉપરથી ચૂંટાયેલા શકુંતલાબેન ચૌધરી અને મોટા બોરસરા બેઠક ઉપરથી ચૂંટાયેલા મનહરભાઈ વસાવાએ દાવેદારી નોંધાવી છે.
ઈચ્છુક સભ્યોએ હોદ્દાઓ માટે દાવેદારી કરી છે. પાર્ટી કોને જવાબદારી સોંપાશે એ આગામી દિવસોમાં જાણવા મળશે. -- યુવરાજસિંહ સોનારીયા (તાલુકા પંચાયત સભ્ય, માંગરોળ)
ઉપપ્રમુખ પદના દાવેદાર : તાલુકા પંચાયત ઉપપ્રમુખ પદ માટે આંબાવાડી બેઠક ઉપરથી ચૂંટાયેલા તૃપ્તિબેન મૈસૂરિયા, ભીલવાડા બેઠક ઉપરથી ચૂંટાયેલા ભૂમિબેન બ્રહ્મભટ્ટ અને ગીજરમ પરથી ચૂંટાયેલા દિવ્યાબેન જાદવ દ્વારા દાવેદારી નોંધાવવામાં આવી છે. અતિ મહત્વના ગણાતા કારોબારી અધ્યક્ષ પદ માટે લિંબાડા બેઠક પરથી ચૂંટાયેલા ભરતભાઈ પટેલ, વાંકલ બેઠક પરથી ચૂંટાયેલા યુવરાજસિંહ સોનારીયા તેમજ લુવારા બેઠક પરથી ચૂંટાયેલા મહાવીરસિંહ પરમાર દ્વારા દાવેદારી કરવામાં આવી છે.
સેન્સ પ્રક્રિયા : સેન્સ પ્રક્રિયા દરમિયાન તાલુકા પંચાયતના અન્ય ચૂંટાયેલા સભ્યોના અને તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો તેમજ વિવિધ મોરચાના પ્રમુખના દાવેદારો માટે અભિપ્રાય લેવામાં આવ્યા છે. ત્યારે હવે પાર્ટી કોના નામના મેન્ડેડ આપે છે તે જોવું રહ્યું.