સુરત : સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે હાલના યુવાનો જીવના જોખમે રિલ્સ બનાવી રહ્યા છે. જ્યારે બીજી બાજુ નબીરાઓની સાથે-સાથે હવે યુવતીઓને પણ રિલ્સ બનાવીને ઘેલછા લાગી છે. એક વિડીયો વાયરલ થયો છે, જેમાં જન્નત મીર નામની યુવતી 160 ની સ્પીડમાં કાર હંકારતી જોવા મળી રહી છે. આવી જ ઘટના સુરતના ડુમ્મસ વિસ્તારમાં સામે આવી હતી. જ્યારે કારની ઉપર બેસીને સ્ટંટ કરી રહેલા યુવાનોને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો છે.
પોલીસે પાઠ ભણાવ્યો : સુરત શહેરના ડુમસ વિસ્તારમાં વેલેન્ટાઈન સિનેમા પાસે એક કાર ઉપર બેસીને યુવકનો સ્ટંટ કરતો વિડીયો વાયરલ થયો હતો. આ વિડીયો વાયરલ થયા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. સુરતની એક હોટલના માલિક એજાઝ સલીમ શેખ અને તેના ભાઈ અઝહર સલીમ શેખની ધરપકડ કરી હતી. વિડીયો વાયરલ થતા જ ઉમરા પોલીસે ભાઈઓની ધરપકડ કરી હતી. કારચાલક અને સ્ટંટ કરનાર બંનેને કાયદાનો પાઠ ભણાવ્યો હતો.
સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે પોતાનો તથા અન્ય માણસોનો જીવ ભયમાં મૂકવો યોગ્ય નથી. જાહેર પ્લોટ પર ફોરવીલ ગાડી પર સ્ટંટ કરતા બે લોકોની ધરપકડ કરી અને કાર્યવાહી કરવામાં આવી છે. આરોપી અઝહર સલીમ એક હોટલના માલિક છે અને કીમ વિસ્તારમાં રહે છે. તેના ભાઈ એજાઝ સલીમ શેખની પણ ધરપકડ કરાઈ છે. બંને થોડા દિવસ પહેલા આ કાર ખરીદી હતી અને સુરત શહેરના ડુમ્મસ વિસ્તારમાં ફરવા નીકળ્યા હતા. તે સમયે તેઓએ આ વિડીયો બનાવ્યો હતો.-- ડી.ડી.ચૌહાણ (પોલીસ ઇન્સ્પેક્ટર)
અકસ્માત થશે તો ? બીજી બાજુ સોશિયલ મીડિયામાં વધુ એક વિડીયો વાયરલ થયો છે. જેમાં એક યુવક બેફામ રીતે કાર ચલાવી રહ્યો છે. આ યુવક બીઆરટીએસ રૂટમાં ગફલત રીતે ગાડી ચલાવી રહ્યો છે. જેનો વિડીયો હાલ સામે આવ્યો છે. GJ 5 ની આ ગાડી છે. યુવક જે રીતે ડ્રાઇવિંગ કરી રહ્યો છે તેનાથી ભય ઉત્પન્ન થાય છે. તે ગમે ત્યારે અકસ્માત સર્જી શકે છે. તેણે પોતાના વિડિયો પહેલા 'નો રૂલ્સ' લખ્યું છે. જેથી જાણ થાય છે કે કાયદાનો કોઈ ભય નથી. હવે જોવાનું રહ્યું કે ગાડી નંબરના આધારે તે પોલીસ કઈ રીતે તેની ઉપર કાર્યવાહી કરે છે.
બેફામ યુવતી : માત્ર નબીરાઓ જ નહીં પરંતુ યુવતીઓ પણ જીવના જોખમે રીલ બનાવી રહી છે. સોશિયલ મીડિયા પર લાખોની લાઇક મેળવવા માટે હાલ યુવક યુવતીઓ રિલ્સ બનાવી રહ્યા છે. તેઓ ભૂલી ગયા છે કે, આ તેમના જીવને જોખમમાં મૂકી શકે છે. આવી જ એક રીલ સામે આવી છે. જેમાં એક યુવતી જોખમી રીતે હાઈ સ્પીડ ગાડી ચલાવી રહી છે. મીડિયામાં જન્નત મીર નામનું એકાઉન્ટ છે. જેમાં યુવતી 160 ની સ્પીડમાં કાર હંકારી રહી હોય તેવો વિડીયો પણ છે. ઇન્સ્ટાગ્રામ પર હાલ આ વિડીયો વાયરલ થયો છે. પોતાની ઈન્સ્ટાગ્રામ આઈડી પર તેણે પ્રેસ પણ લખ્યું છે. પોતાના એકાઉન્ટમાં તેને લખ્યું છે કે, તે ઓલ મીડિયા કાઉન્સલિંગની વાઈસ પ્રેસિડેન્ટ પણ છે.