કોસંબાઃ સુરતના કોસંબામાં પોલીસે એક યુગલને ઝડપી લીધું છે. આ યુગલ પૈકીનો યુવક સગીરાને મધ્ય પ્રદેશથી ભગાડી લાવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. કોસંબા પોલીસને આ યુગલ વિશે બાતમી મળી હતી. પોલીસ સત્વરે પગલાં લીધા અને આ યુગલને શોધી કાઢ્યું.
યુગલને મધ્ય પ્રદેશ પોલીસને હવાલે કરાશેઃ મધ્ય પ્રદેશના જિલ્લા અલીરાજપુરથી એક સગીરાને એક યુવક ભગાડી ગયો હોવાની પોલીસ ફરિયાદ કાઠીવાડા પોલીસ સ્ટેશને થઈ હતી. મધ્ય પ્રદેશ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. આ સંદર્ભે સુરતના કોસંબા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી. કોસંબા પોલીસે વિના વિલંબે રેડ પાડીને કિસનસીંગ ડામોર નામક યુવક અને અપહત્ય યુવતીને ઝડપી લીધા હતા. આ યુગલ ધામડોદ ગામની સીમમાં આવેલા બિલટેક કંપનીમાં છુપાયું હતું. કોસંબા પોલીસે મધ્ય પ્રદેશ પોલીસનો સંપર્ક કરી બેઉને મધ્ય પ્રદેશ મોકલવાની કામગીરી હાથ ધરી હતી.
આ આરોપી કોસંબા પોલીસની હદમાં હોવાની બાતમી મળતા જ અમારી ટીમે આ આરોપીને દબોચી લીધો હતો અને તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી મધ્યપ્રદેશ પોલીસને જાણ કરી હતી...એ.ડી. ચાવડા(PI, કોસંબા પોલીસ સ્ટેશન)
સુરત ગ્રામ્ય એલસીબીએ વધુ એક આરોપીને પકડ્યોઃ ચોક્કસ બાતમીના આધારે પલસાણા પોલીસ મથકે વિદેશી દારૂના ગુનામાં ફરાર આરોપીને ઝડપી લીધો છે. ઝડપાયેલ આરોપીનું નામ રોશન ઉર્ફે પ્રકાશ ઉર્ફે પ્રતીક સુનીલ રાઠોડ હોવાનું જાણવા મળ્યું હતું. ફરાર આરોપીને ઝડપી લેવા એલસીબી પીઆઇ આર.બી ભટોળે ટીમને કામે લગાડી હતી. ત્યારે સુરત ગ્રામ્ય એલસીબીમાં ફરજ બજાવતા અરવિંદને ખાનગી રાહે બાતમી મળી હતી. ફરાર આરોપી પ્રતીક સુનિલભાઈ રાઠોડ પલસાણા તાલુકાના સાંકી ગામે છે. આરોપી વિરૂદ્ધ ભૂતકાળમાં કેટલા ગુનાઓ નોંધાયા છે તે દિશામાં તપાસ હાથ ધરી આરોપીનો કબજો પલસાણા પોલીસને સોંપ્યો હતો.