સુરત : સુરત લોકસભા મતવિસ્તાર એ ગુજરાતના 26 લોકસભા (સંસદીય) મતવિસ્તારો પૈકીનો એક છે. ભાજપના દિગ્ગજ નેતા કાશીરામ રાણા આ બેઠક પરથી 6 ટર્મથી સાંસદ રહ્યા છે. સુરત ભારતના 7મં વંડાપ્રધાન મોરારજી દેસાઈનો પણ મતવિસ્તાર હતો, જેઓ 5 ટર્મ માટે આ મતવિસ્તારના સાંસદ રહી ચૂક્યા છે. સુરત કેન્દ્રમાં મહત્વની ભૂમિકા પણ ભજવે છે. આ જ કારણ છે કે પ્રથમ ગુજરાતી વડાપ્રધાન મોરારજી દેસાઈ અને કાશીરામ રાણા કાપડ મંત્રી તેમજ ગ્રામીણ વિકાસ મંત્રાલય સંભાળી ચૂક્યા છે અને વર્તમાન સાંસદ દર્શના જરદોશ રેલવે અને ટેક્સટાઇલ રાજ્ય પ્રધાન પણ છે.
![સુરતને આગવું સ્થાન અપાવનાર મોરારાજી દેસાઇ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/06-01-2024/20443573_1.jpeg)
સુરત મીની ભારત : અહીં માત્ર મૂળ ગુજરાતી જ નહીં, પરંતુ ભારત દેશના દરેક રાજ્યના લોકો વસે છે ટેક્સટાઇલ અને ડાયમંડ ટ્રેડિંગ હબ હોવાના કારણે અહીં લાખોની સંખ્યામાં પરપ્રાંતીઓ પણ રહેતા હોય છે. હજીરા ખાતે વિશાલકાય ઉદ્યોગ આવેલા છે. આંકડા મુજબ સુરત શહેરમાં 65 લાખ લોકો રહે છે. આ એશિયાનો સૌથી ઝડપથી વિકસતું શહેર ગણવામાં આવે છે અને હાલમાં આજે સુરત ડાયમંડ બુર્સના કારણે વિશ્વભરમાં ચર્ચિત પણ થયું છે. જીડીપીમાં સુરત મહત્વની ભૂમિકા ભજવે છે. દરરોજે અઢી કરોડ મીટર કાપડ પ્રોડક્શનમાં થાય છે. એટલું જ નહીં, 100માંથી 90 હીરા સુરતમાં કટીંગ અને પોલીશિંગ થાય છે.
2019 લોકસભા ચૂંટણીમાં ભાજપને 74.47 ટકા મતો મળ્યાં : સુરત લોકસભા વિસ્તારમાં કુલ સાત વિધાનસભા બેઠક આવે છે. જેમાં ઓલપાડ, સુરત પૂર્વ, સુરત ઉત્તર, વરાછા, કરંજ, કતારગામ અને સુરત પશ્ચિમ સામેલ છે. આ તમામ સાત વિધાનસભા બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ચૂંટાઈને આવ્યા છે.17મી લોકસભાની ચૂંટણીમાં સુરત લોકસભા ચૂંટણીમાં દર્શના જરદોસનો વિજય થયો હતો. તેઓ છેલ્લા ત્રણ ટર્મથી લોકસભા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાઈને આવ્યા છે. વર્ષ 2019ની ચૂંટણીમાં તેઓ કોંગ્રેસના અશોક પટેલને 5,48,230 મતોથી હરાવીને વિજયી થયાં હતાં. ભાજપને વર્ષ 2019ની ચૂંટણીમાં 74.47 ટકા મતો મળ્યા હતાં.
ત્રણ સાંસદ કેન્દ્રીય સત્તામાં મહત્વપૂર્ણ ભૂમિકામાં : વર્ષ 1951 સુરત લોકસભા બેઠક અસ્તિત્વમાં આવી છે. સુરતના પ્રથમ સાંસદ કનૈયાલાલ દેસાઈ બન્યાં હતાં તેઓ કોંગ્રેસ પક્ષમાંથી ઉમેદવાર તરીકે ચૂંટણી લડી સાંસદ બન્યા હતાં. 1957માં મોરારજી દેસાઈને કોંગ્રેસે ટિકિટ આપી હતી અને તેઓ સુરતના સાંસદ બન્યા હતા. ત્યારબાદ પાંચ ટર્મ તેઓ આ મતવિસ્તારના સાંસદ રહી ચૂક્યા છે અને દેશના પ્રથમ ગુજરાતી વડાપ્રધાન પણ બન્યાં હતાં. સુરત રાજકારણની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વની બેઠક આ માટે ગણાય છે. કારણ કે જ્યારે સુરત લોકસભા બેઠકનો ઇતિહાસ જોવામાં આવે ત્યારે આજ દિન સુધી સુરત બેઠક પરથી પ્રથમ ગુજરાતી વડાપ્રધાન મોરારજી દેસાઈ બન્યાં, કેન્દ્રીય કાપડ કાશીરામ રાણા બન્યાં અને ગ્રામીણ વિકાસ મંત્રાલય અને હાલ દર્શનાબેનને ટેક્સટાઇલ અને રેલવે રાજ્ય પ્રધાન બનાવવામાં આવ્યા છે.
બેઠકનો ઇતિહાસ : 1957ની ચૂંટણીથી લઈ 1971 સુધી ચાર ટર્મ મોરારજી દેસાઈ કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા અને સાંસદ બન્યાં. જ્યારે 1977માં તેઓ જનતા દળ સાથે જોડાયા હતા અને જીત્યા હતાં. ત્યારબાદ 1980 અને 1984 માં સી.ડી પટેલ કોંગ્રેસથી સાંસદ બન્યા હતાં. ત્યારબાદ છ ટર્મ સુધી ભારતીય જનતા પાર્ટીના કાશીરામ રાણા સુરતના સાંસદ બન્યાં. તેઓ 1989, 1991, 1996, 1998, 1999, 2004 ચૂંટણીમાં સાંસદ તરીકે ચૂંટાઈને આવ્યા હતાં. તેઓ અટલ સરકારમાં કેન્દ્રીય કાપડ અને ગ્રામીણ મંત્રાલય સાંભળી ચૂક્યા છે. વર્ષ 2009, 2014, 2019ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તરફથી દર્શના જરદોશ વિજયી બન્યાં. છેલ્લી ત્રણ ટર્મથી તેઓ સુરતના સાંસદ છે એટલું જ નહીં હાલ તેઓ રેલ્વે અને ટેક્સટાઇલ રાજ્ય પ્રધાન છે.