- વિકેન્ડ લોકડાઉનની તંત્ર દ્વારા કરવામાં આવી હતી જાહેરાત
- બારડોલી સહિત ગામડાઓમાં પણ બંધનો ચુસ્ત અમલ
- લોકોએ કામ વગર બહાર નીકળવાનું ટાળ્યું
સુરત: બારડોલીમાં તંત્રએ જાહેર કરેલા 2 દિવસના લોકડાઉન બાદ આજે શનિવારે પ્રથમ દિવસે બારડોલીના સંપૂર્ણ બજારો બંધ રહ્યા હતા. માત્ર આવશ્યક સેવાઓ અને ચીજવસ્તુઓની દુકાનો સિવાય તમામ દુકાનો બંધ રહી હતી. કોરોના સંક્રમણને અટકાવવા માટે 2 દિવસનું લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ બારડોલીમાં વહીવટી તંત્ર થયું સતર્ક, વિકેન્ડ લોકડાઉન કર્યૂ જાહેર
શુક્રવારે તંત્રએ વિકેન્ડ લોકડાઉનની કરી હતી જાહેરાત
સુરત જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના સંક્રમણ બેકાબૂ બન્યું છે. દિન-પ્રતિદિન વધી રહેલા સંક્રમણને રોકવા માટે બારડોલીના વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું અને શુક્રવારના રોજ ઉચ્ચ અધિકારીઓએ બેઠક કરી વિકેન્ડ લોકડાઉન લાગુ કરવા અંગે ચર્ચા કરી હતી. જે મુજબ તંત્ર દ્વારા બારડોલી નગરપાલિકા વિસ્તાર ઉપરાંત તેન, બાબેન, કડોદ, ઇસરોલી અને મઢી- સુરાલી ગામમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. શુક્રવારે રાત્રે 8.00થી સોમવાર સવારે 6.00 વાગ્યા સુધી લોકડાઉન રાખવા માટે બારડોલી SDM દ્વારા લેખિતમાં જાહેર સૂચના અને વીડિયો મેસેજ જારી કરવામાં આવ્યો હતો.
તમામ વિસ્તારો જડબેસલાક બંધ રહ્યાં
તંત્રની સૂચનાનું બારડોલી અને આજુબાજુના ગામના લોકોએ ચુસ્તપણે પાલન કરતાં જોવા મળ્યા હતા. બારડોલીના સ્ટેશન રોડ, ગાંધી રોડ, કડોદ રોડ, શાસ્ત્રી રોડ, આચાર્ય તુલસી માર્ગ સહિતના માર્ગો પર મેડિકલ અને આવશ્યક ચીજો સિવાયની તમામ દુકાનો બંધ રહી હતી.
આ પણ વાંચોઃ લોકડાઉન ખૂબ જરૂરી છે: IMA ગુજરાતના પૂર્વ પ્રમુખ
શાકભાજી માર્કેટનો રસ્તો પણ બંધ કરાયો
આ ઉપરાંત બારડોલીના લીમડા ચોક વિસ્તારમાં આવેલા શાકભાજી માર્કેટમાં પ્રવેશવાના રસ્તા પર બેરીકેટ્સ મૂકી રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો તેમજ પાલિકા અને પોલીસની ટીમને પણ તૈનાત કરી દેવામાં આવી હતી. જેથી કારણ વગર કોઇ અંદર જઈ ન શકે.
પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવ્યું
પોલીસ દ્વારા પણ રસ્તાઓ પર રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. લોકડાઉન જાહેર કરવામાં આવતા સવારના સમયે મુખ્ય રસ્તાઓ પર છૂટાછવાયા વાહનોની અવરજવર જોવા મળી હતી. બપોર પછી રસ્તાઓ સૂમસામ થઈ ગયા હતા.