સુરત: જિલ્લામાં સતત દીપડાનો આતંક વધી રહ્યો છે. દીપડાઓ અવાર નવાર શિકારની શોધમાં જંગલ વિસ્તાર છોડીને માનવ વસ્તી તરફ આવી રહ્યા છે. ત્યારે વધુ એક વાર દીપડો માનવ વસ્તી તરફ આવ્યો હતો. માંડવી તાલુકાના મોરીઠા ગામે મધ્યરાત્રે ગામમાં દીપડો આવ્યો હતો. દીપડાએ પાલતુ વાછરડા પર હુમલો કર્યો હતો.
દીપડાને પકડવાની તજવીજ હાથ ધરી: વાછરડાએ શોર બકોર કરતા પશુપાલક ઉઠી ગયો હતો. જેને લઇને દીપડો મોઢામાં આવેલ શિકાર છોડી ભાગી ગયો હતો. ત્યારે સમગ્ર ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવતા વન વિભાગની ટીમ સ્થળ મુલાકાત કરી પાંજરા ગોઠવવામાં આવ્યા હતા અને દીપડાને પકડવાની તજવીજ હાથ ધરી હતી.
" દીપડાએ વાછરડા પર કરેલા હુમલાની ફરિયાદ વન વિભાગને મળતા જ વન વિભાગની ટીમ દ્વારા દીપડાને પકડવાની તજવીજ હાથ ધરી છે. અન્ય કોઈ જગ્યાએ દીપડાએ કોઈ પશુ પર હુમલો કર્યો નથી." - વંદાભાઈ, વન વિભાગના RFO
દીપડાનો આતંક: અન્ય બનાવની વાત કરીએ તો સુરત જિલ્લાના માંડવીના ઉંટવા ગામે આવેલી વિજય સ્ટોન ક્વોરી વિસ્તારમાં શિકારી દીપડો ઘૂસી આવ્યો હતો. દીપડાએ ધીમા પગલે જઈ એક શ્વાનને દબોચી લીધો હતો. એ દરમિયાન નજીકમાં જ બેઠેલું અન્ય શ્વાન જીવ બચાવવા ભાગી છૂટે છે. આ ઘટનામાં શ્વાનનો જીવ નહીં જાય ત્યાં સુધી દીપડો શ્વાનને ગળામાંથી દબોચી રાખતો હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. આ બનાવને પગલે મજૂરો તથા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો હતો.