માંગરોળ તાલુકાના ધામદોડ ગામના નવીનાગરી વિસ્તારના નવી નગરી વિસ્તારમાં રહેતા આદિવાસી પરિવારોના ચેહરા ખોફ પર દેખાઇ રહ્યો છે. આ વિસ્તારમાં વહેલી સવારે ઘરના પાછળના ભાગે આવેલા શેરડીના ખેતરમાંથી ખૂંખાર દીપડો ઘરમાં ઘુસી ગયો હતો. તેમજ તેના મામા સાથે બેસેલા દોઢ વર્ષના ભાણીયા પર હુમલો કરી દીધો હતો. જો કે મામાએ પણ જીવની પરવાહ કર્યા વિના ખૂંખાર દીપડા સાથે બાથ ભીડી હતી. દીપડા સાથે બાથ ભીડતા બાળકના મામા ગંભીર રીતે ઘવાયા હતા. ગંભીર રીતે ઘવાયેલા મામાએ પોતાના સ્વબચાવમાં દીપડાને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
આ ઘટના વહેલી સવારે બની હતી. જે બાદ માંગરોળ વન વિભાગના રેન્જ ફોરેસ્ટ અધિકારી અને તેમની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ત્યારબાદ તેઓએ મૃત દીપડાનો કબ્જો લઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી. દીપડાનો ભોગ બનેલા બાળકના મામા નજીકની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે, ખૂંખાર દીપડા રહેણાંક વિસ્તારમાં શિકારની શોધમાં આવી ચઢે છે અને લોકો પર હુમલો કરે છે. આ આગાઉ પણ આવી ઘટના માંગરોળ તાલુકાના વાડી ગામમાં બની હતી. જેમાં બાળકીનું મોત થયું હતું, જોકે આ ઘટનામાં કોઈનું મોત થયું નથી પરંતુ દીપડા દ્વારા હુમલાની ઘટનામાં વધારો થતાં લોકોમાં ભયનો માહોલ સર્જાઈ રહ્યો છે.