સુરતના અડાજણ વિસ્તારમાં ક્રિમિનલના વકીલનું ત્રણ ફૂટ પાણીમાં સ્વિમિંગ ટ્રેનરોની સામે ડૂબી જવાથી મૃત્યુ થયું છે. જેેને લઇને અનેક તર્ક વિતર્કના પ્રશ્નો ઉભા થયા છે. પોલીસે મૃતક વૃદ્ધ વકીલનું પોસ્ટમોર્ટમ કરાવી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
અડાજણમાં આવેલા પાલિકા સંચાલિત જોગાણી નગર વિરસાવરકર સ્વિમિંગ પુલમાં સાત વાગ્યાની બેચમાં સ્વિમિંગ કરવા ગયા હતા. દરમિયાનમાં ત્રણ ફૂટ જેટલા પાણીમાં ડૂબી જતા મોતને ભેટ્યા હતા. જેને લઇને એવુ અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે કે સાત વાગ્યે બેંચ પુર્ણ થયા બાદ મનસુખભાઈ ડૂબી ગયા હોવાની જાણ થઈ હતી. જેથી તેઓને 108 મારફતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. આ સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ આવી પહોંચી હતી.
આ સમગ્ર મામલે શોકનું મોજુ ફરી વળ્યુ હતું. કારણ કે મનસુખભાઈની દીકરી અને જમાઈ ઓસ્ટ્રેલીયામાં રહે છે. જેથી આવતા મહિનામાં મનસુખભાઈનો જન્મ દિવસ હોવાથી તેને ઓસ્ટ્રેલીયા બોલાવી જન્મદિવસની ઉજવણી કરવાનું આયોજન કર્યુ હતું. જેને લઇને મનસુખભાઈના વિઝા પણ આવી ગયા હતા. જોકે,ઓસ્ટ્રેલીયામાં દીકરી સાથે જન્મદિવસની ઉજવણી કરે તે પહેલાં તેમનું મોત થયુ હતું. થોડા દિવસો પહેલાં જ એક કિશોરનું સ્વિમિંગ પુલમાં ડૂબી જતાં મોત થયું હોવાની ઘટના બની હતી..જ્યાં ફરી એકવાર ઇન્સ્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે વૃદ્ધ વકીલનું ડૂબી જતાં મોત થયું છે.