સુરત: જિલ્લાના મહુવા તાલુકાના ઉમરા ગામે 2018ના વર્ષમાં એક શખ્સે પારિવારિક ઝઘડામાં પાડોશી પિતા પુત્રની હત્યા કરી નાખી હતી. આ ગુનામાં બેવડી હત્યા કરનાર આરોપીને આજીવન કારાવાસની સજા કરવામાં આવી છે. બારડોલી સેશન્સ કોર્ટમાં આજે સજાની સુનાવણી કરવામાં આવી હતી. સુરત જિલ્લાના મહુવા તાલુકાના ઉમરા ગામે પારિવારિક ઝઘડામાં પિતા પુત્રને મોતને ઘાટ ઉતારનાર આરોપીને બારડોલી સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.
"સેશન્સ જજ એસ.એસ.સેઠીએ અમારી દલીલો અને પોલીસે રજૂ કરેલા પુરાવાઓ ગ્રાહ્ય રાખ્યા હતા. આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે" -જે.એન. પારડીવાળા (સરકારી વકીલ)
પુત્ર સાથે ઝઘડો: આરોપીના માતા, બહેન અને બનેવીને આશરો આપ્યો અને મોત મળ્યું મહુવા તાલુકાનાં ઉમરા ગામે સાંધરા ફળિયામાં રહેતા નગીનભાઈ રામજીભાઈ પટેલ (65) તેના નાના પુત્ર પિયુષ (45) અને પત્ની કમલાની સાથે રહેતા હતા. જ્યારે તેનો મોટો પુત્ર ઈશ્વર પટેલ સાંબા ગામે તેના સાસરે રહેતો હતો. ગત 23-9-2018 ની રાત્રે નગીન પટેલ તેના પુત્ર પિયુષ સાથે ઘરે હતા જ્યારે તેની પત્ની કમલા ફળિયામાં બેસવા માટે ગઈ હતી. તે સમયે ફળિયામાં જ રહેતો રોશન અંતુ પટેલ નગીનભાઈના ઘરે આવ્યો હતો અને પિતા પુત્ર સાથે ઝઘડો કરવા લાગ્યો હતો.
હત્યાનો ગુનો: રોશન તેની માતા ધનુબેન, બહેન ભાવના અને બનેવી નિલેષને પોતાના ઘરે આવવા દેતો ન હોય તેઓ નગીનભાઈના ઘરે ગયા હતા. રોશને તેમને ત્યાંથી ભગાડી મૂક્યા બાદ તે નગીનભાઈ અને પિયુષભાઈ સાથે બોલાચાલી ઝઘડો કરવા લાગ્યો હતો. આ દરમિયાન રોશને પિયુષના ચહેરા પર અને ગળામાં તેમજ નગીનના ગળામાં કુહાડી વડે હુમલો કરતાં બંને પિતા પુત્રના મોત નિપજ્યાં હતા.
ડબલ મર્ડરનો ગુનો: આ કેસ બારડોલી સેશન્સ કોર્ટમાં મંગળવારના રોજ ચાલી જતાં સરકારી વકીલ જે.એન. પારડીવાળાની દલીલ સાંભળી તથા રજૂ થયેલા પુરાવા ધ્યાને લઈ આરોપી સામે ડબલ મર્ડરનો ગુનો પુરવાર થયો હતો. બારડોલીના આઠમા એડિશનલ સેશન્સ જજ એસ.એસ.સેઠીએ આરોપી રોશન અંતુ પટેલને આજીવન કેદની સજા ફરમાવી હુકમ કર્યો હતો. મહુવા પોલીસે હત્યાનો ગુનો નોંધી રોશનની ધરપકડ કરી હતી.