- કોરોનાનો કહેર યથાવત
- રેમડેસીવીર ઇન્જેક્શનની કાળાબજારી
- પોલીસે ત્રણની કરી અટકાયત
- વધુ એક વખત રેકેટ ઝડપાયું
સુરતઃ જિલ્લામાં રેમડેસીવીર ઈન્જેક્શનની અછત સર્જાઈ હતી અને દર્દીઓના પરિવારજનો હોસ્પિટલ બહાર કલાકો સુધી આ ઇન્જેક્શન માટે લાઈનમાં ઉભા રહેતા હતા. દરમિયાન આ ઘટનામાં એક પછી એક ઇન્જેક્શનની કાળાબજારી સામે આવી રહી છે. વધુ એક વખત આ ઇન્જક્શનની કાળાબજારી કરતા ત્રણ લોકો ઝડપાયા છે.
આ પણ વાંચોઃ આણંદમાં નકલી રેમડેસીવીર ઇન્જેક્શન સાથે શખ્સ ઝડપાયો
ખટોદરા પોલીસની કાર્યવાહી
ખટોદરા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે કેટલાક શખ્સો બ્લેકમાં રેમડેસીવીર ઇન્જેક્શન વહેંચી રહ્યા છે અને તેના બમણા રૂપિયા પણ વસૂલી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે એક ટીમ બનાવી ડમી ગ્રાહક બનીને આ લોકોનો સંપર્ક કર્યો હતો. ઇન્જેક્શન આપવા આવેલા બે લોકોને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા બન્ને લોકોએ પોતાનું નામ 21 વર્ષીય સુભાષ શ્રીરામસુમીરન યાદવ અને તે મગલ્લા ગામ રહેતો હોવાનું જણાવ્યું હતું. બીજા શખ્સે પોતાનું નામ 19 વર્ષીય વિશાલ રાજુભાઇ ઉગલે હોવાનું જણાવ્યું હતું.
સાંઇદીપ હોસ્પિટલના એડમિનની સંડોવણી બહાર આવી
પોલીસે આ બન્ને લોકોની ધરપકડ કરી હતી અને આ બન્નેની પૂછપરછમાં આ ઇન્જેક્શન તેઓ સાંઇદીપ હોસ્પિટલના એડમિન સૈયદ અઝમત અર્સલન નામના વ્યક્તિ પાસેથી લાવ્યા હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે તેની પણ ધરપકડ કરી હતી.
આ પણ વાંચોઃ રેમડેસીવીર ઇન્જેક્શનની કાળા બજારી કરતા 4 આરોપીની રામોલ પોલીસે કરી ધરપકડ
8 ઇન્જેક્શન કબજે કરાયા
પોલીસે આ સમગ્ર રેકેટનો પર્દાફાશ કરી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી અને 8 ઇન્જેક્શન, 3 મોબાઈલ અને અને 6,470ની રોકડ મળી કુલ 35 હજારની મત્તા કબજે કરી હતી. વધુમાં પોલીસ તપાસમાં આરોપી એક ઇન્જેક્શનના 18 હજાર રૂપિયા વસૂલતા હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલે પોલીસે આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રિમાન્ડ મેળવશે અને બાદમાં કડક પૂછપરછ દરમિયાન અન્ય ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા રહેલી છે.