સુરત: સૌરાષ્ટ્, મધ્ય ગુજરાત કે પછી હોય દક્ષિણ ગુજરાત મેઘરાજા તમામ ઝોનમાં બઘડાટી બોલાવી રહ્યા છે. મેઘરાજાએ રુદ્ર સ્વરૂપ ધારણ કરતાં સૌ કોઈની ચિંતામાં વધારો થઈ ગયો છે તેમજ જન જીવન પ્રભાવિત થઈ ગયું છે. આજ રોજ પણ વહેલી સવારથી દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી પડી રહ્યો છે. વરસેલા ધોધમાર વરસાદને લઈને કીમ માંડવી સ્ટેટ હાઇવે પર ઘૂંટણ સમાં પાણીનો ભરાવો થયો હતો.
વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો: પગલે સ્ટેટ હાઇવે પર અવર જવર કરી રહેલા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો હતો અને હાઇવે પર વહેલી સવારે જ ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો. જેને પગલે સ્થાનિક પોલીસ દોડી આવી હતી અને ટ્રાફિક હળવો થાય તે દિશામાં કામગીરી હાથ ધરી હતી.
શોપિંગ સેન્ટરમાં પાણીનો ભરાવો: માંગરોળના પાલોદ ગામની હદમાં તેમજ કીમ ચારરસ્તાને અડીને આવેલ ફીરદોશ શોપિંગ સેન્ટરમાં વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે આ ફીરદોશ શોપિંગ સેન્ટરમાં પણ ઘૂંટણ સમાં પાણી ભરાઈ ગયા હતા.જેને લઈને શોપિંગમાં કામ અર્થે આવતા લોકોને વરસાદી પાણીમાં પસાર થવા મજબૂર બન્યા હતા.
સ્થાનિક લોકોમાં તંત્ર પ્રત્યે નારાજગી: વરસાદી પાણી ભરાવાના કારણે શોપિંગ સેન્ટરમાં દુકાનો ધરાવતા લોકોના ધંધાને પણ અસર જોવા મળી હતી. હાલ વરસી રહેલા વરસાદને લઈને જન જીવન પ્રભાવિત થઈ ગયું છે. સ્થાનિક વાહન ચાલક નિર્મળ ભાઈએ જણાવ્યું હતું કે હું દર વર્ષે આ માર્ગ પર પાણી ભરાઈ જાય છે. જેને લઇને અમને ખૂબ જ હાલાકી ભોગવવાનો વારો આવે છે. આ માર્ગ પર મોટા ખાડાઓ પડી ગયા છે.જેને લઇને અકસ્માત થવાનો ભય સતાવે છે. તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવતી નથી.