સુરત : આમ તો ભગવાન ગણેશજીના દર્શન 365 દિવસ ભક્તો કરી શકતા હોય છે. પરંતુ સુરત ખાતે એક એવા ગણેશજી છે જે ખૂબ જ કીમતી છે. ઉપરાંત 365 દિવસમાં માત્ર એક જ દિવસ ભક્તો ગણેશજીના દર્શન કરી શકે છે. સુરતના ઉદ્યોગપતિ પાસે વિશ્વના દુર્લભ ડાયમંડ ગણેશજી છે. જેમની પૂજા તેઓ વર્ષમાં એક દિવસ કરતા હોય છે. આ ડાયમંડ ગણેશજીની ખાસિયતની વાત કરવામાં આવે તો આ કોહિનૂર ડાયમંડથી પણ મોટા હીરાના ગણપતી છે. બજારમાં તેની કિંમત 600 કરોડથી પણ વધુ જણાવવામાં આવે છે.
હીરામાં ગણેશજીની ઝાંખી : શહેરમાં ગણેશોત્સવમાં અનેક પ્રકારની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવે છે. ત્યારે સુરતના એક નાગરિકે કુદરતી રીતે મળેલા સ્ટોનમાં ગણેશજીની મૂર્તિ પ્રતીત થતી હોવાને કારણે તેનો સંગ્રહ કર્યો છે. શ્રીજી પ્રત્યેની અતૂટ શ્રદ્ધાને કારણે શહેરના વેપારી કનુભાઈ અસોદરીયાએ અનેક સ્ટોનનો સંગ્રહ કર્યો છે. ખાણમાં ખોદકામ કરતી વખતે આવા અનેક સ્ટોન તેમને પ્રાપ્ત થયા છે. જેને તેમણે સાચવીને રાખ્યા છે. કારણ કે આ સ્ટોનમાં ગણેશજીની ઝાંખી થઈ રહી છે.
કેવી રીતે મળ્યો ડાયમંડ ? સુરત શહેરના ડાયમંડ ઉદ્યોગપતિ કનુભાઈ આસોદરિયા 15 વર્ષ પહેલાં બેલ્જિયમ વ્યવસાય માટે ગયા અને ત્યાંથી કાચા હીરા લઈને આવ્યા હતા. તે દરમિયાન તેઓના પિતાને સ્વપ્ન આવ્યું કે, આ કાચા હીરામાં ગણેશજી છે. જ્યારે તેઓએ કાચા હીરા જોયા ત્યારે તેમાં ગણેશજીની પ્રતિકૃતિ એક હીરામાં જોવા મળી હતી. ત્યારથી જે તેઓ આ હીરાને પૂજતા આવ્યા છે. અગત્યની વાત આ છે કે રફ ડાયમંડમાં ગણપતિબાપા જોવા મળે છે તે 182.3 કેરેટ અને 36.5 ગ્રામ વજનનો છે.
અધધ કિંમતના ગણેશજી : આમ તો ઉદ્યોગપતિ કનુભાઈ આ હીરાની કિંમત જણાવતા નથી. કારણ કે તેઓ ગણેશજીની કૃપા માને છે અને તેની પૂજા અર્ચના કરે છે. આ ગણેશ તેઓ કોઈને કોઈ કિંમતમાં પણ આપવા તૈયાર નથી. તેમ છતાં જ્યારે બજારમાં આ ગણેશજીની કિંમતની વાત કરવામાં આવે તો 600 કરોડથી પણ વધુ કિંમત ધરાવે છે. આ સંપૂર્ણ રીતે પ્રાકૃતિક હીરો છે અને સૌથી અગત્યની વાત આ છે કે, લંડનના વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા સર્ટિફાઇડ પણ કરવામાં આવ્યો છે. ગણેશની તસ્વીર તેઓ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, અમિતાભ બચ્ચન અને રામદેવ સહિતના અનેક લોકોને આપી ચૂક્યા છે.
અનોખી ખાસીયત : કનુભાઈએ જણાવ્યું હતું કે, 365 દિવસમાં માત્ર એક જ દિવસ ગણેશ ઉત્સવના પર્વ દરમિયાન તેઓ પૂજા અર્ચના કરે છે. આ કર્મના દેવતા હોવાના કારણે તેમનું નામ કર્મ ગણેશા રાખવામાં આવ્યું છે. 365 દિવસ તેમને સુરક્ષિત સેફમાં મૂકવામાં આવે છે. કોહિનૂર કરતા પણ વધુ કિંમતી અને વધારે કેરેટનો ડાયમંડ છે. સાથે 14 જેટલા અલગ અલગ નેચરલ સ્ટોનમાં પણ ગણેશજીની પ્રતિકૃતિ જોવા મળી છે. તેનું પણ કલેક્શન મારી પાસે છે.
કનુભાઈનું કલેક્શન : મહત્વની વાત એ છે કે આ સ્ટોન કુદરતી રીતે પ્રાપ્ત થયા છે. તેમાં કૃત્રિમ રીતે કોઈપણ પ્રકારની પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી. આવા અલગ અલગ વિશેષતા ધરાવતા 7 સ્ટોન કનુભાઈએ સાચવ્યા છે. જેમાં લીલા સ્ટોન, સફેદ સ્ફટિક જેવા સ્ટોન, મોતી જેવા સ્ટોન અને સાત સૂંઢવાળા સ્ટોન છે. જેમાં જીજેઈપીસી જયપુર ટેસ્ટીંગ લેબોરેટરીથી સર્ટિફાઈડ પીરાટે ગણેશ, 7 સૂંઢ વાળા ક્વાર્ટસ ક્રિસ્ટલના ગણેશ, મોતીના ગણેશ, સેલિસેટ મિનરલના ગણેશ, ક્રિસ્ટલ અને મેલાકાઈટ ગણેશ, કિંમતી ખનીજના કેલસેડોની ગણેશજીનું કલેક્શન કર્યું છે. જેમાં 5 ગ્રામથી લઈને 18 કિ.ગ્રા. સુધીના ગણેશજીના સ્ટોન છે.