સુરત: પાટીદાર આગેવાન દુર્લભ પટેલની આત્મહત્યાને હજી અઠવાડિયું પણ નથી થયું, પરંતુ સુરતમાં બીજા એક પાટીદાર આગેવાને આત્મહત્યા કરી જીવન ટૂકાવ્યું છે. સુરતના પાટીદાર આગેવાન અને રત્નકલાકાર વિકાસ સંઘના પ્રમુખ જયસુખ ગજેરાએ તાપી નદીમાં ઝંપલાવી જીવન ટૂંકાવી દીધું હતું. હમેશા રત્નકલાકારોના હિત માટે લડતા આવેલા જયસુખ સમાજમાં આગવી ઓળખ ધરાવતા હતા. બુધવાર સાંજે જયસુખ ગજેરા પોતાની ઓફિસથી નીકળ્યા બાદ ઘરે પહોંચ્યા ન હતા. ઘરે ન પહોંચતા તેમના ઘરના લોકોએ તેમને ફોન કર્યા હતા, પરંતુ તેમનો ફોન સ્વિચ ઓફ આવ્યો હતો.

જયસુખ ગજેરાના ભત્રીજાએ સવારે તેમના ફોનના લોકેશનના આધારે તેમની શોધખોળ શરૂ કરી હતી, તેમના ફોનનું લોકેશન તાપી નદીના બ્રીજ પાસે મળી આવતા જયસુખ ગજેરાના ભત્રીજો અને તેમના અન્ય સગા તાપી નદીના પૂલ પર પહોંચ્યા હતા. ત્યાં જયસુખ ગજેરાના ચંપલ અને તેમની મોટરસાઈકલ જોવા મળી હતી. જયસુખ ગજેરાનો મૃતદેહ તાપી નદીમાંથી મળ્યો હતો. કામરેજ પોલીસ અને કામરેજ ફાયર બ્રિગેડે તેમના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે કઠોર રેફરલ હોસ્પિટલમાં મોકલ્યો હતો. પોલીસે તેમની આત્મહત્યાનું પ્રાથમિક તારણ આર્થિક સંકડામણ હોવાનું જણાવ્યું હતું.
- સુરતમાં વધુ એક પાટીદાર આગેવાને આત્મહત્યા કરી
- રત્નકલાકાર વિકાસ સંઘના પ્રમુખ જયસુખ ગજેરાએ તાપી નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી
- આર્થિક સંકડામણના કારણે આત્મહત્યા કરી હોવાનું અનુમાન
સુરત રત્નકલાકાર વિકાસ સંઘના પ્રમુખ જયસુખ ગજેરાની આત્મહત્યાથી સમગ્ર પાટીદાર સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. રત્નકલાકારોએ પોતાના આગેવાન ગુમાવતા તેઓ પણ શોકમાં ડૂબી ગયા હતા. જયસુખ ગજેરાના આત્મહત્યાના સમાચાર સાંભળી પાસ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા પણ રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે, જયસુખ ગજેરા અમારા વડીલ અને રત્નકલાકારોના હિત માટે લડનાર આગેવાન હતા. ઉપરાંત તેઓ ઘણી સામાજિક સંસ્થા સાથે પણ જોડાયેલા હતા.