- સુરતમાં ફરી એક વખત કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો
- સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો નિર્ણય
- નિયત કરેલા સેન્ટરો પર રસી આપવામાં આવશે
સુરતઃ બે મહિના બાદ સુરતમાં ફરી એક વખત કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 100 ની ઉપર પહોંચી છે. જે ચિંતાનો વિષય છે ત્યારે શહેરીજનો કોરોનાની રસીથી વંચિત નહીં રહે તે માટે રાત્રીના 10 વાગ્યા સુધી નિયત કરેલા સેન્ટરો પર રસી આપવાનો નિર્ણય સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે. આ સાથે કોરોના સંક્રમણ વધતાં બહારગામથી પરત ફરતા લોકોએ પહેલા કોરોનાનો ટેસ્ટ કરાવીને પોતાના ઘરમાં પ્રવેશ કરવો એવી અપીલ સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે.
કોરોનાની વેક્સિનેસનનો પ્રારંભ
16મી જાન્યુઆરીથી કોરોનાની વેક્સિનેસનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રથમ તબક્કામાં ફ્રન્ટલાઈન વર્કરોને રસી આપવામાં આવી હતી. ત્યાર બાદ 1લી માર્ચથી 60 વર્ષથી વધુ વયના વડીલો તેમજ 45થી 49 વર્ષના કો મોરબીટ વ્યક્તિને રસી આપવામાં આવી રહી છે.
44 આરોગ્ય સેન્ટરો પર સમાંતર રસીકરણ
24 ખાનગી હોસ્પિટલો અને સિવિલ સ્મીમેર સહિત 44 આરોગ્ય સેન્ટરો પર સમાંતર રસીકરણની કામગીરી પ્રગતિ હેઠળ છે. જેનો સમય સવારે 10થી સાંજે પાંચેક કલાક સુધીનો છે જોકે સંલગ્ન નગરજનોને રસીનો પ્રથમ ડોઝ ઝડપથી મળી રહે તે હેતુથી તમામ રસીકરણ કેન્દ્ર પર રાત્રે 10 વાગ્યા સુધી કામગીરી હાથ ધરાઈ છે.