સુરત : આયકર વિભાગની DDI વિંગ દ્વારા શહેરના રીયલ એસ્ટેટ સાથે સંકળાયેલા સુરાના ગ્રુપ અને કંસલ ગ્રુપને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. આયકર વિભાગ દ્વારા દરોડાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, ત્યારે બેહિસાબી વ્યવહારોનો આંક 700 કરોડ પર પહોંચી ગયો છે. જેમાંથી 500 કરોડ જેટલા બેહિસાબી વ્યવહારો સુરાના ગ્રુપના સ્થળ પરથી અને 200 કરોડના બે હિસાબી વ્યવહારો કંસલ ગ્રુપને ત્યાંથી મળ્યા છે.
સુરતમાં IT દરોડા : સુરાના ગ્રુપ અને કંસલ ગ્રુપ ખાતે ઇન્કમટેક્સ વિભાગના ડિરેકટોરેટ ઓફ ઇન્વેસ્ટિગેશન વિંગ (DDI) દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. 22 જેટલા સ્થળે શરૂ કરવામાં આવેલ તપાસ આખરે પૂર્ણ થઇ છે. ત્યારે કંસલ ગ્રુપને ત્યાં તપાસ ગત રોજ પૂર્ણ થઇ હતી અને આજે સુરાના ગ્રુપ ખાતે જે છેલ્લા પાંચ સ્થળોએ તપાસ ચાલી રહી હતી. તે પણ પૂર્ણ થઈ ગઈ છે.
700 કરોડના બેહિસાબી વ્યવહાર : આયકર વિભાગ દ્વારા 6 દિવસથી ચાલી રહેલી તપાસમાં 700 કરોડના બેહિસાબી વ્યવહારો મળ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં 500 કરોડના બેહિસાબી વ્યવહારો સુરાના ગ્રુપ અને 200 કરોડના બેહિસાબી વ્યવહારો કંસલ ગ્રુપને ત્યાંથી મળ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
અંગત કર્મચારીઓની સંડોવણી : આયકર વિભાગ દ્વારા સ્થળ તપાસ પૂર્ણ કરવાની સાથે દસ્તાવેજોના વેરિફિકેશન શરૂ કરવામાં આવ્યા છે. ઉપરાંત જે લોકર અને કેસ સીઝ કરી હતી તેની પણ તપાસ ચાલી રહી છે. સર્ચ દરમિયાન વિભાગને સફળતા મળી હતી કે, સુરાના ગ્રુપ દ્વારા મોટા ભાગના દસ્તાવેજો પોતાના નજીકના અંગત કર્મચારીઓના ઘરે રાખવામાં આવતા હતા. જે સમગ્ર બાબત સીસીટીવીના માધ્યમથી વિભાગને જાણવા મળી અને તે શોધીને વિભાગે દસ્તાવેજો કબજે કર્યા હતા.