- મહાનગરપાલિકામાં ભાજપની ભવ્ય જીત
- તમામ મહાનગરપાલિકામાં ભગવો લહેરાયો
- ઈશ્વર પરમારે તમામ બેઠક જીતવાનો દાવો કર્યો
સુરત: રાજ્યમાં રવિવારના રોજ યોજાયેલી સુરત સહિત 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં આજે મંગળવારે જાહેર થયેલા પરિણામમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત થઇ હતી. જેને લઈને સમગ્ર રાજ્યમાં ભાજપ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
મોં મીઠું કરી જીતનો જશ્ન મનાવ્યો
સુરત જિલ્લાના બારડોલી ખાતે પણ ભાજપ કાર્યકરો ઉત્સાહમાં આવી ગયા હતા. બારડોલીના શહીદ ચોક ખાતે ભાજપના કાર્યકરો અને આગામી ચૂંટણીના ઉમેદવારો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. જ્યાં બારડોલીના ધારાસભ્ય અને રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન ઈશ્વર પરમાર અને સુરત જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈ ઉપસ્થિત રહી કાર્યકરોનું મોં મીઠું કરાવી જીતનો જશ્ન મનાવ્યો હતો.
ફટાકડા ફોડી જીતની ઉજવણી
રાજ્યની 6 મહાનગરપાલિકામાં ભાજપની જીત થવાથી બારડોલી ભાજપ દ્વારા ફટાકડા ફોડી આ જીતની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ એકબીજાને મીઠાઈ વહેંચી ખુશી મનાવવામાં આવી હતી. કાર્યકર્તાઓમાં આ જીતને લઈ ઉત્સાહમાં વધારો થયો છે.
આગામી ચૂંટણી જીતવાનો દાવો
આ અંગે કેબિનેટ પ્રધાન ઈશ્વર પરમારે જણાવ્યું હતું કે, રાજ્યની તમામ 6 મહાનગરનપાલિકાઓમાં ભાજપનો વિજય થયો છે, ત્યારે કાર્યકરોમાં ભારે ઉત્સાહ છે. સુરતમાં તો કોંગ્રેસ ખાતું પણ ખોલાવી શકી નથી. આગામી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં પણ ભાજપનો આ જ રીતે ભવ્ય વિજય થશે.
તમામ મહાનગરપાલિકામાં ભાજપનું બુલડોઝર ફરી વળ્યું
જિલ્લા ભાજપ પ્રમુખ સંદિપ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્યની તમામ મહાનગરપાલિકામાં ભાજપનું બુલડોઝર ફરી વળ્યું છે, ત્યારે આવું જ પરિણામ આગામી 2 માર્ચે પણ જોવા મળશે અને સમગ્ર ગુજરાતમાં ભગવો લહેરાશે. આ પ્રસંગે સુરત જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અજીતસિંહ સુરમા, નગર ભાજપ પ્રમુખ રાકેશ ગાંધી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.