સુરત : ઓટોમોબાઇલ એન્જિનિયરિંગ કરનાર યુવતી પૂજા ગર્ગ યુપીએસસી ક્લિયર કરી આઇએએસ બનવા માંગતી હતી. જીપીએસસીની પ્રિલીમ્સ પરીક્ષા પણ પાસ કરી લીધી હતી. પરંતુ લોકડાઉંન સમયે તેને અનુભવ થયો કે તે માનસિક અને શારીરિક સમસ્યાનો સામનો કરી રહી છે. આવી પરિસ્થિતિમાં પૂજા ગર્ગ યોગાનો સહારો લીધો અને તે જ ક્ષણે તેના જીવનમાં અનેક પરિવર્તન આવ્યાં. આ જ કારણ છે કે તે યુપીએસસીની તૈયારી છોડીને ઇન્ટરનેશનલ યોગા ઇન્સ્ટ્રક્ટર બની ગઈ છે અને હાલ 25થી વધુ દેશોના લોકોને ઓનલાઈન યોગાની ટ્રેનિંગ આપે છે.
યોગા શીખવા પહેલાં મને લાગતું હતું કે સરકારી નોકરી અને સારા ભણતરથી જીવનમાં અનેક ઉપલબ્ધિઓ હાંસલ કરી શકાય છે. પરંતુ કોરોના કાળમાં જ્યારે મેં જોયું કે હું ખૂબ જ શારીરિક અને માનસિક તણાવમાં આવી ગઈ છું, ત્યારે મને યોગાએ નવી રાહ ચીંધી હતી. ત્યારે ખબર પડી કે હું જે ઈચ્છું છું તે સરકારી નોકરીમાં નહીં પરંતુ યોગા મને આપશે...પૂજા ગર્ગ(યોગા ઇન્સ્ટ્રક્ટર)
યુપીએસસી પરીક્ષાની ઇચ્છા : 27 વર્ષીય પૂજા ગર્ગ હાલ અમેરિકા, કેનેડા,જાપાન, ઓસ્ટ્રેલિયા સહિતના આશરે 25 જેટલા દેશોના લોકોને ઓનલાઈન યોગાના અલગ અલગ આસનો અંગે ટ્રેનિંગ આપી રહી છે. જેના કારણે તેના જીવનમાં અનેક પરિવર્તન પણ આવી રહ્યા છે. પરંતુ લોકોના જીવનમાં પરિવર્તન લાવવા પહેલાં યોગાભ્યાસે તેના જીવનમાં મોટું પરિવર્તન લાવ્યો હતો. કોરોના કાળ પહેલા પૂજાએ 2017 માં ઓટો મોબાઇલ એન્જિનિયરિંગ કર્યું હતું અને ત્યારબાદ એક સારી નોકરી પણ કરી રહી હતી. પરંતુ તેને વિચાર આવ્યો કે તે સરકારી નોકરી કરીને દેશ માટે કશું કરે અને એક સારી પ્રોફાઈલ જોબ મેળવે.
યુપીએસસી કોચિંગ કર્યાં : પૂજાએ ક્લાસ વન ઓફિસર બનવા માટેના પ્રયત્નરુપે યુપીએસસી કોચિંગ શરુ કર્યાં અને તેની પ્રથમ પરીક્ષા પ્રિલિમ્સ પણ પાસ કરી હતી. પરંતુ આ વચ્ચે કોરોનાકાળની સ્થિતિ આવી ગઈ. લોકડાઉન લગાવવામાં આવ્યું ત્યારે ઘરે રહીને પૂજાને શારીરિક અને માનસિક રીતે અનેક સમસ્યાઓ શરૂ થઈ ગઈ હતી. તેનું વજન પણ વધી ગયા હતા અને અનેક માનસિક તણાવથી તે પસાર થઈ રહી હતી.
યોગા શીખવાનો વિચાર : પરેશાન સ્થિતિમાં તેણે માનસિક મજબૂતી માટે યોગાભ્યાસ કરવાનો વિચાર કર્યો અને અમલ કર્યો. યોગા શીખ્યા પછી તેના માનસિક અને શારીરિક અનેક પરિવર્તન જોઈ તે યોગાથી એટલી હદે પ્રભાવિત થઈ ગઈ કે એણે સરકારી નોકરી કરવાનો વિચાર છોડી ઇન્ટરનેશનલ યોગા ઇન્સ્ટ્રક્ટર બની ગઈ. એને યુપીએસસી કોચિંગ પણ બંધ કરી નાખ્યાં. સારી રીતે લોકોને યોગા શીખવવા માટે અને આ ક્ષેત્રમાં આગળ વધવા માટે પૂજા ગર્ગે ઋષિકેશ, હૈદરાબાદ અને પંજાબમાં યોગાની પ્રોફેશનલ ટ્રેનિંગ પણ લીધી હતી.
વિદેશમાં રહેતા લોકોને ઓનલાઇન ટ્રેનિંગ : પૂજાએ ઈટીવી ભારત સાથેની વધુ વાતચીતમાં જણાવ્યું હતું કે, મેં યોગાની ટ્રેનિંગ લીધી અને આજ દિન સુધી વિદેશમાં રહેતા 250થી પણ વધુ લોકોને આજ દિન સુધી ટ્રેનિંગ આપી ચૂકી છું. ઓનલાઇન અલગ અલગ સેશન લઇ તેમને ટ્રેનિંગ આપું છું. યોગાના કારણે મારા જીવનમાં અનેક પરિવર્તન આવ્યાં છે. હું લોકોને કહેવા માંગીશ કે તેઓ પોતાના 24 કલાકમાંથી એક કલાક યોગાને આપે જેથી તેઓ માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રહી શકશે.