વરસાદના ફરી આગમનના કારણે અન્ડરપાસ તેમજ નિચાણવાળા વિસ્તારો સહિત ગરનાળાઓ પ્રભાવિત થયા છે. મેઘ મહેરના કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી છે, જ્યાં વાહન ચાલકોએ વરસાદી પાણીમાંથી પસાર થવા મજબૂર બનવું પડ્યું છે. ત્યારે બીજી તરફ છેલ્લા ત્રણ-ચાર દિવસથી મેઘરાજાની શહેરમાં પાંખી હાજરીના પગલે બફારાની સ્થિતી જોવા મળી.જો કે મેઘરાજાએ દક્ષિણ ગુજરાતમાં ધામા દેતા સમગ્ર વાતાવરણમાં ઠંડકભર્યો માહોલ પ્રસરાયો છે.
તેનાથી શહેરીજનોને પણ મોટી રાહત મળી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 22મી તારીખથી દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ બરોબર જામશે તેવી સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.જેનું આગમન હાલ થઈ ચૂક્યું છે અને લાંબા સમયથી વાટ જોઈ રહેલા શહેરીજનો અને ખાસ ખેડૂતોની આતુરતાનો પણ અંત આવ્યો છે. મેઘરાજાના આગમનના પગલે ખેડૂતો પણ હાલ ખુશખુશાલ થયા છે.