સુરત: સુરતના સાયણ ગામે સાંઈ બંગલો સોસાયટીમાં રહેતા અરવિંદભાઈ પ્રજાપતિનો દિકરો કીર્તન સુરતમાં કોલેજમાં અભ્યાસ કરે છે. કીર્તનની જ સોસાયટીમાં રહેતા વીર મનોજ શાહ નામના યુવકે કિર્તનની કોલેજની મીત્રની ફેસબુક તથા ઈન્સ્ટાગ્રામ આઈડી હેક કરી તેના પરથી અંગત વિગતો મેળવી કીર્તનને ચીડવતો હતો. આ અંગેની જાણ થઈ ત્યારે કિર્તને તેને આવું ન કરવાનું કહ્યું અને સમજાવવાનો પ્રયાસ કરતાં તેને ગાળા-ગાળી અને મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
શું હતો સમગ્ર મામલો: જોકે, કીર્તનના પિતા અરવિંદભાઈ અને દિકરી ક્રિષ્ના વીર શાહને સમજાવવા વચ્ચે પડ્યા તો તેમની સાથે વીરે ગાળો આપી હતી ક્રિષ્નાને ધક્કો મારી પછાડી દીધી હતી. આ મામલે કિર્તનના પિતા અરવિંદ ભાઈએ વીર શાહ વિરદ્ધ પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. જ્યારે સામે પક્ષે વીર મનોજ શાહે પણ કિર્તન અને તેના પરિવાર વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. વીર શાહના જણાવ્યા અનુસાર સાત દિવસ પહેલાં તેનો કીર્તન પ્રજાપતિ સાથે કોલેજની મીત્ર બાબતે મગજમારી થઈ હતી. વીર શાહનું કહેવું છે કે, કીર્તનની મિત્ર બાબતે તે કંઈ જાણતો ન હોવા છતાં ખોટો શક કરી તેની સાથે મગજમારી કરી. વીર શાહે કિર્તનના પિતા અરવિંદભાઈ ધુળાભાઈ પ્રજાપતી, કિર્તનના માતા ગાયત્રીબેન પ્રજાપતિએ સાથે મળીને માર મારવા સાથે ગાળો આપી હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે.
પોલીસ કાર્યવાહી: આ અંગે ઓલપાડ પોલીસ મથકના પી.આઈ. વી.કે પટેલે જણાવ્યું હતું કે, ઓલપાડ પોલીસ મથકે બન્ને પક્ષ દ્વારા ફરિયાદ આપવામાં આવી છે. અને આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.