સુરત: મૂળ ઓરિસાનો વતની 45 વર્ષીય કેદાર દંડાસી ગાડા ભેસ્તાન વિસ્તારમાં આવેલા સિદ્ધાર્થ નગરમાં રહે છે. કેદાર ભેસ્તાન ખાતે આવેલી ગુરુકૃપા ઇન્ડસ્ટ્રીયલમાં પ્રિન્ટિંગ મિલમાં કામ કરી વતનમાં રહેતા પરિવારનું ગુજરાન ચલાવે છે. ગતરોજ તે નોકરી પરથી ઘેર આવી રહ્યો હતો. તે દરમિયાન અજાણ્યા ઇસમે તેની પર એસિડ એટેક કર્યો હતો, આ ઘટનામાં તેની સાથે કામ કરતા અને પાછળ પગપાળા આવી રહેલા પ્રકાશ ગૌડા પણ છાતી, હાથ અને પેટના ભાગે દાઝી ગયા હતા. ઈજાગ્રસ્ત બંને લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તો બીજી તરફ બનાવની જાણ પોલીસને થતા પાંડેસરા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
"પોલીસ તપાસમાં એસિડ એટેક કરવા આવનાર યુવક રવિ ગૌડ હતો. તેણે પોલીસને જણાવ્યું હતું કે 5 હજાર રૂપિયામાં પુન્ના ગૌડાએ એસીડ ફેકવા જણાવ્યું હતું, પુન્ના ગૌડા અને ભોગ બનનાર કેદાર આઠેક મહિના અગાઉ રૂમ પાર્ટનર તરીકે રહેતા હતા. ત્યારે રૂમ ખાલી કરવા બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો. જેની અદાવત રાખી પુન્ના ગૌડાએ એસીડ એટેક કરાવ્યો હોવાનું હાલ તો પોલીસ તપાસમાં સામે આવ્યું છે."--એન. કે. કામલીયા(પાંડેસરા પોલીસ ઇન્સ્પેક્ટર)
પોલીસે ગુનો નોંધી તપાસ: અત્રે ઉલ્લેખનીય છે કે માત્ર 5000 રૂપિયામાં એસિડ એટેક માટે સોપારી આપવામાં આવી હતી. આ ઘટનામાં કેદાર ગૌડાને આંખ, ચહેરા અને છાતીના ભાગે દાઝી ગયા હતા. જ્યારે પાછળ આવી રહેલા પ્રકાશ ગૌડા પણ છાતી, હાથ અને પેટના ભાગે દાઝી ગયા હતા, આ સમગ્ર મામલે પાંડેસરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.