- ઉધના મગદલ્લા રોડ પર ભૂવો પડતા તેમાં કાર ફસાઈ
- તંત્ર દ્વારા ભૂવો પુરવાની કામગીરી હાથ ધરાઇ
- તંત્રએ બોલાવેલો ટ્રક પણ તેમાં ફસાઈ ગયો
સુરત : સુરતના ઉધના મગદલ્લા રોડ પર પાણીની લાઈન નાખવાની કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી બાદ રોડનું પુરાણ કરી દેવામાં આવ્યું હતું. તે દરમ્યાન કમોસમી વરસાદના કારણે રોડ ભીનો થઇ ગયો હતો. આ દરમ્યાન આજે એક કાર ચાલક ત્યાંથી પસાર થઇ રહ્યો હતો. તેણે કારને બ્રેક મારતા જ કાર ભૂવામાં પડી ગઇ હતી. જોકે, સદનસીબે કાર ચાલકનો તેમાં બચાવ થયો હતો. આ ઘટનાની જાણ થતા તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ રોડ પર પડેલો ભૂવો પુરવાની કામગીરી હાથ ધરી હતી.
ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ
જેમાં તેઓએ રોડ પુરાણ માટે ટ્રક મગાવ્યો હતો. જોકે, ટ્રક પણ ત્યાં આવતા તે પણ રોડમાં ઘસી પડ્યો હતો. આ ઘટના બાદ ત્યાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. લોકોએ તંત્રની આવી ઘોર બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો હતો.