સુરત: દીક્ષા નગરી સુરતમાં હીરા ઉદ્યોગપતિની 27 વર્ષીય દીકરી લક્ઝુરિયસ લાઈફ છોડીને સંયમના માર્ગે પ્રયાણ કરશે. હીરા ઉદ્યોગપતિની લાડકી દીકરી સાતમી ડિસેમ્બરના રોજ દીક્ષા ગ્રહણ કરી સંયમનો માર્ગ અપનાવશે. દીક્ષા ગ્રહણ વિધિ પહેલા આજે દીક્ષા ગ્રહણ કરનાર સીમોની મહેતાની ભવ્ય વરસીદાન યાત્રા નીકળી હતી.
હાથી, ઘોડા સાથે વરસીદાન: સીમોની મહેતાના વરસીદાન કાર્યક્રમમાં ઊંટગાડી, ઘોડા, બળદગાડી, હાથી સહિત અનેક વસ્તુઓ જોવા મળી હતી. એટલું જ નહીં વરસીદાનમાં પરિવારના સભ્યો ગરબા કરતા પણ જોવા મળ્યા હતા. સાતમી ડિસેમ્બરના રોજ જ્યારે મહેતા પરિવારની લાડકી દીકરી સંયમના માર્ગે પ્રયાણ કરશે. ત્યારે મોટી સંખ્યામાં સમાજના લોકો પણ એકત્ર થશે.
કોલેજના બીજા વર્ષ સુધીનો અભ્યાસ: 27 વર્ષીય સીમોની મહેતા બીકોમના બીજા વર્ષ સુધી અભ્યાસ કર્યો છે. સાતમી ડિસેમ્બરના રોજ તે લક્ઝરી લાઈફ ત્યજીને સંયમના માર્ગ પર ચાલશે. સીમોનીના દીક્ષા ગ્રહણ પહેલા આજે વરસીદાન યાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. બેન્ડબાજા સાથે આ વરસીદાન યાત્રા નીકળી હતી જેમાં તેના પરિવારના લોકો અને સગા સંબંધીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.
'અમે સંપન્ન પરિવારથી આવીએ છીએ. પરંતુ નાનપણથી જ પરિવારમાં ધાર્મિક વાતાવરણ હોવાના કારણે મારી દીકરીને વૈભવી જીવન જીવવા કરતાં ધાર્મિકતાનો માર્ગ પસંદ કરી દીક્ષા લેવા માટે વિચાર આવ્યો. જ્યારે તેને આ અંગે અમને જણાવ્યું ત્યારે અમને ખૂબ જ પ્રસન્નતા થઈ અને અમે તેને દીક્ષા લેવા માટે અનુમતિ આપી હતી. આજના ડિજિટલ યુગમાં જ્યાં એક તરફ યુવાનો લક્ઝરી લાઇફ પસંદ કરે છે ત્યારે મારી દીકરી લક્ઝરી લાઈગ છોડીને દીક્ષાના માર્ગે જશે.' - જયેશ પટેલ, યુવતીના પિતા