ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીની બોથડ પદાર્થ વડે ઇજા પહોંચાડી ચાર જેટલા ઈસમોએ મોતને ઘાટ ઉતારી દીધો છે. વિદ્યાર્થીના મોતના પગલે રોષે ભરાયેલા પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે.
લિંબાયતના કેશવ નગર વિસ્તારમાં રહેતો 18 વર્ષીય સાહિલ સૂર્યકાંત જોશી ધોરણ 12માં અભ્યાસ કરતો હતો. વિદ્યાર્થી ગત રોજ સમી સાંજે પોતાના ઘરેથી કામે નીકળ્યો હતો. જે દરમિયાન નજીકમાં આવેલા પાનના ગલ્લા પર ઊભેલા ચાર જેટલા અજાણ્યા ઈસમોએ તેને આંતરી માથાકૂટ કરી હતી.
બોથડ પદાર્થ વડે વિદ્યાર્થી પર જીવલેણ હુમલો કરી તેને ગંભીર ઈજા પહોંચાડી હતી. ઘટના બાદ ચારેય ઈસમો ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ થતાં પરિવારજનો અને લિંબાયત પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયો હતો. તબીબોએ વિદ્યાર્થીને મૃત જાહેર કર્યો હતો.વિદ્યાર્થીના મોતને લઈ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. જ્યાં રોષે ભરાયેલા પરિવારજનોએ પોસ્ટમોર્ટમ રૂમ બહાર પોતાનો રોષ વ્યક્ત કરતા મૃતદેહ સ્વીકારવાનો સાફ ઇનકાર કરી દીધો હતો.