સુરત : પીપલોદ સ્થિત કુબેરા ગાર્ડન પાસે 9 વર્ષના બાળકને રખડતા 6 જેટલાં શ્વાનોએ બચકા ભર્યા હતા. બાળક પર શ્વાનો તૂટી પડતા બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયું હતું. બાળકની બુમાબુમ બાદ ત્યાં લોકો દોડી આવ્યા હતા અને બાળકને બચાવી લીધો હતો. ડોગ બાઈટમાં બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં બાળકને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
9 વર્ષના બાળકને કર્યો લોહીલુહાણ: સુરત શહેરમાં ફરી એક વાર રખડતા શ્વાનોનો આતંક સામે આવ્યો છે. સુરતના પીપલોદ વિસ્તારમાં રખડતા 6 શ્વાનોએ શાળાએ જઈ રહેલા 9 વર્ષના બાળકને બચકા ભરતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. પીપલોદ વિસ્તારમાં આવેલા કુબેરા ગાર્ડન પાસે વહેલી સવારે 9 વર્ષના બાળક પર ત્યાં રખડતા શ્વાનો તૂટી પડ્યા હતા અને બાળકને ગંભીર રીતે બચકાં ભરતા બાળકે બુમાબુમ કરી હતી. જે બાદ ત્યાં લોકો દોડી આવ્યા હતા અને બાળકને બચાવી લીધો હતો. શ્વાનોએ બચકાં ભરતા બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જેના કારણે તેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
15થી પણ વધુ બચકા ભર્યા: શ્વાનના હુમલાના કારણે ઈજાગ્રસ્ત થયેલા બાળકની હાલમાં નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ અંગે ડો. તેજસ ચૌહાણએ જણાવ્યું હતું કે, બાળક શાળાએ જઈ રહ્યો હતો, ત્યારે કેટલાક શ્વાનો દ્વારા તેની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. બાળકને પંદરથી પણ વધુ બચકા ભરવામાં આવ્યાં છે જેના કારણે તેને ગંભીર ઇજાઓ થઈ છે જેના કારણે બાળકની સર્જરી કરવામાં આવી અને હાલ તેની સ્થિતિ સ્થિર છે.
સ્થાનિકોએ બાળકને બચાવ્યો: આ અંગે સ્થાનિક રહેવાસી ચિનુભાઈએ જણાવ્યું હતું કે, સવારે પંદરેક જેટલા શ્વાનોએ બાળક પર હુમલો કર્યો હતો અને તેને પછાડી દીધો હતો, અમે સમયસર દોડી જતા છોકરો બચી ગયો હતો, અહિયાં શ્વાનોનો ખુબ જ આંતક છે, અહી ચીકનની લારીઓ છે જેથી શ્વાનો અહીં જ રહે છે, બાઈક પર પસાર થતા લોકોને પણ બચકાં ભરવા તેઓ દોડે છે. કોર્પોરેશન વાળા અહી આવે છે તો ફરીને જતાં રહે છે પણ શ્વાનોને પકડતા નથી.