સુરત : ઈન્ડીયન મેડીકલ એસોસિએશન દ્વારા મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખી રાજ્યના મેડિકલના વિદ્યાર્થીઓને ફરજિયાત COVID 19નું કાર્ય કરાવવાનો વિરોધ નોંધાવ્યો છે. IMAનો આરોપ છે કે રાજ્યના મેડિકલના વિદ્યાર્થીઓને ધાકધમકીથી ફરજિયાત COVID 19નું કાર્ય કરાવવા માટે આદેશો આપવામાં આવ્યા છે.
IMA ગુજરાત પ્રમુખ ચંદ્રેશ જરદોશે જણાવ્યું હતું કે, ભારત સરકારના પરિપત્ર મુજબ મેડિકલ વિદ્યાર્થીઓને કોઈપણ કાર્ય ન કરાવવા આદેશ આપે છે. તેમ છતાં હાલમાં કેટલીક મેડિકલ કોલેજો દ્વારા મેડિકલ વિદ્યાર્થીઓને ધાકધમકીથી ફરજિયાત COVID 19નું કાર્ય કરવાની ફરજ પાડવામાં આવી રહી છે. જે વિદ્યાર્થીઓના આરોગ્યને નુકસાન કરી શકે તેમ છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, કેટલાક અધિકારીઓની દાદાગીરી તાનાશાહી અને મનઘડંત નિર્ણયોના કારણે શાંત પાણીમાં પત્રો નાખી વાતાવરણ બગાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને આવા કપરા સમયમાં કોઈ પણ મેડિકલ વિદ્યાર્થી કોઈ અનિચ્છનીય પગલું ભરશે તો તેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે.
સરકારના અવારનવાર પરિપત્રોના આધારે પણ મેડિકલ વિદ્યાર્થીઓને COVID-19ની જવાબદારીઓમાંથી મુક્ત રાખવાની ઈન્ડિયન મેડિકલ એસોસિયેશને માંગણી કરી છે.