સુરત: જિલ્લાના તાપી તટ વિસ્તારના પ્રતિબંધિત વિસ્તાર માંથી તેમજ ગેર કાયદેસર રેતી (Illegal sand mining caught from Karajan village) ઉલેચતા ખનિજ માફિયાઓ ભૂસ્તર વિભાગના અધિકારીઓને પણ ગાંઠતા નથી.ભૂસ્તર વિભાગના અધિકારીઓ પણ ગેર કાયદેસર રેતી ઉલેચતા ખનિજ માફિયયાને અંકુશમાં રાખવા ડ્રોન સર્વેલન્સ સહિતની ટેકનીકલ પદ્ધતિથી ગેરકાયદેસર રેતી ખનન પ્રવૃતિ અટકાવવા કમર કસી રહ્યા છે.ત્યારે ભૂસ્તર વિભાગના અધિકારીઓ મેદાનમાં આવતા ભૂમાફિયોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.
ગેર કાયદેસર રેતી ખનન: થોડા દિવસ પહેલા જ સુરત જિલ્લાના મહુવા ગામ તેમજ કામરેજ તાલુકાના ઘલા ગામેથી ભૂસ્તર વિભાગે ગેર કાયદેસર રેતી ખનન કરતા રેતી ઉલેચતા સાધનો સહિત રૂપિયા ૩૧ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.ત્યારે કામરેજ તાલુકાના કરજણ ગામના તાપી નદી કિનારે ભૂસ્તર વિભાગના અધિકારીએ રેઇડ કરી હતી.ભૂસ્તર વિભાગ સહિત ફાયર ફાઇટરોના કાફલા સહિતની રેઇડને ગેરકાયદેસર રેતી ઉલેચતા ખનિજ માફિયાઓમાં નાસ ભાગ મચી જવા પામી હતી.
ભૂસ્તર વિભાગે 6 યાંત્રિક નાવડીઓ જપ્ત કરી: ભૂસ્તર વિભાગના સિનીયર ભૂસ્તર શાસ્ત્રી ડી.કે પટેલની આગેવાનીમાં કરજણ ગામના તાપી નદી કિનારે રેઇડ કરતા સ્થળ પરથી છ યાંત્રિક નાવડીઓ કિંમત રૂપિયા ૧૮ લાખ તેમજ ત્રણ ટ્રકો કિંમત રૂપિયા ૨૮ લાખ સહિત તાપી નદીમાંથી ઉલેચી સ્થળ પર સંગ્રહ કરેલી રેતીનો જથ્થો કિંમત ૧.૨૫ લાખ મળી કુલ ૪૭.૨૫ લાખનો મુદ્દામાલ સીઝ કર્યો હતો.
કુલ ૪૭.૨૫ લાખનો મુદ્દામાલ સીઝ: ભૂસ્તર શાસ્ત્રી દ્વારા તાપી તટેથી જપ્ત કરવામાં આવેલા યાંત્રિક નાવડી તેમજ ટ્રક સહિત તમામ મુદ્દામાલ પીપોદરા ખાતે આવેલા કમ્પાઉન્ડમાં મોકલી આપવામાં આવ્યો હતો.સ્થળ પર હાજર સિનિયર ભૂસ્તર શાસ્ત્રીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે પકડાયેલા ત્રણ ટ્રકો પૈકી એક ટ્રકમાં ૧૭ ટન જેટલી રેતીનો જથ્થો મળી આવ્યો હતો જ્યારે ત્રણ ટ્રક પેટે રૂપિયા ૧.૮૫ લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો