સુરત: સમગ્ર રાજ્ય સહિત સુરત જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે જન જીવન પ્રભાવિત થઈ ગયું છે.વરસી રહેલા વરસાદે પણ તંત્રની પોલ ખોલવાનું શરૂ કરી દીધું છે અને પ્રિ મોન્સુન કામગીરીના દાવા પોકળ સાબિત થઈ છે.ત્યારે આજરોજ સાંજના સમયે માંગરોળના તરસાડી નગરમાં ભારે વરસાદ વરસ્યો હતો જેને લઇને તરસાડી નગર પાણી પાણી થઇ ગયું હતું.તરસાડી નગરના મુખ્ય માર્ગ પર ઘૂંટણ સમાં પાણી ભરાઈ જતાં વાહનોની સ્પીડ ઘટી ગઈ હતી અને ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.
વરસાદ નોંધાયો: તરસાડીમાં વરસેલા વરસાદને લઈને સ્થાનિક યુવક નાઝિમ ભાઈએ જણાવ્યું હતું કે સવારથી જ કાળા ડીબાંગ વાદળો જોવા મળ્યા હતા અને સાંજના સમયે વરસાદ વરસ્યો હતો.વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે.થોડી કલાકોમાં ધોધમાર વરસાદ વરસતા આ સમસ્યા સર્જાઈ છે. ચોર્યાસી તાલુકામાં આજે 112 mm વરસાદ વરસ્યોસુરત જિલ્લામાં આજરોજ વરસેલા વરસાદની વાત કરીએ તો ઓલપાડ તાલુકામાં 30 mm, માંગરોળ તાલુકામાં 09 mm, કામરેજ તાલુકામાં 10 mm, સુરત સીટી વિસ્તારમાં 25 mm, ચોર્યાસી તાલુકામાં 122 mm અને મહુવા તાલુકામાં 04 mm, વરસાદ નોંધાયો હતો.
જનજીવન પ્રભાવિત: સુરત જિલ્લાના કડોદરા વિસ્તારમાં વરસેલા ધોધમાર વરસાદને પગલે જનજીવન પ્રભાવિત કરી મૂક્યું હતું. કડોદરા વિસ્તારમાં ઠેર ઠેર નિચાણવાળા વિસ્તારમાં ખૂબ જળ ભરાવો થયો હતો. જેને પગલે 500 જેટલા લોકો આ આફત થી પ્રભાવિત થયા હતા. ત્યારે કડોદરા નગરપાલિકાની ટિમ દ્વારા તાબડતોબ સ્થળ પર દોડી જઈ પ્રભાવિત વિસ્તારની મુલાકાત કરી હતી. ધોધમાર વરસાદ ને પગલે ઘરોમાં દુકાનોમાં પાણી ઘુસી જતા ઘરવખરી તેમજ સામાનને નુકશાન પહોંચ્યું હતું. પાલિકા દ્વારા અસરગ્રસ્ત વિસ્તારનો ત્વરિત તાગ મેળવી રહેવા જમવા તેમજ જમવા માટે રસોડું કરી સેવાયજ્ઞ શરૂ કરી આફત ને અવસર માં ફેરવ્યો છે.