સુરત: મચ્છરોનો ત્રાસ વધતા સુરતમાં જાહેર આરોગ્યને મુદ્દે શરૂ કરાયેલા વિશેષ અભિયાન શરૂ કરાયું છે. જે અંતર્ગત માત્ર ચાર જ દિવસમાં 7.27 લાખ ઘરોમાં તપાસ કરવામાં આવી રહી છે. વરસાદી પાણીના ભરાવાને મુદ્દે બેજવાબદાર જણાય આવેલા કુલ 1158 મિલકતદારોને નોટીસ પાઠવી દંડ ફટકારવામાં આવ્યો છે.

રોગોનો ફેલાવો અટકાવવા ઝુંબેશ: ઉલ્લેખનીય છે કે ચોમાસાની ઋતુમાં શહેરમાં ઝાડા-ઉલટીના કેસો વધી રહ્યાં છે. જેને લઈને આરોગ્ય તંત્રે પાણીજન્ય રોગોનો ફેલાવો થતો અટકાવવા માટે ઝુંબેશ સ્વરૂપે કામગીરી શરૂ કરી છે. મહદઅંશે ઝાડા-ઉલ્ટીના કેસો દુષિત પાણી અથવા દુષિત ખોરાક ખાવાથી થતા હોય છે. આરોગ્યની ટીમને ધરોમાં સર્વે દરમિયાન 241 જેટલા છુટાછવાયા સામાન્ય ઝાડાના દર્દીઓ મળી આવ્યા છે. તથા 900 જેટલા તાવના દર્દીઓ મળી આવ્યા છે.આ તમામ લોકોને નજીકના શહેરી આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ જઇ સારવાર આપવાનું શરૂ કરાયું છે.

" સુરત સહિત સમગ્ર રાજ્યમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે રોગચાળોમાં પણ ખુબ જ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરમાં દિન પ્રતિ દિન ઝાડા ઉલટી મલેરિયાના, ડેન્ગ્યુ, ગેસ્ટોના કેસો વધી રહ્યા છે. પાણીજન્ય રોગોનો ફેલાવો થતો અટકાવવા અને જાહેર આરોગ્યની સ્થિતિ વધુ જોખમાઇ નહીં તે માટે ઝુંબેશ સ્વરૂપે કામગીરી શરૂ કરી છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં ગંદા પાણીની ફરિયાદ વચ્ચે ઝાડા ઉલટી, તાવ સહિતની અન્ય બિમારીના કેસો અંગે ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી શરૂ કરવામાં આવી રહ્યા છે." - ડો.પ્રદીપ ઉમરીગરે, આરોગ્ય અધિકારી, સુરત
ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી શરૂ
5 લાખથી વધુ ઘરોનો સર્વે પૂર્ણ: ઝાડા-ઉલ્ટીના કેસો દુષિત પાણી અથવા દુષિત ખોરાક ખાવાથી થતા હોય છે. આ કેસના દર્દીઓને ઝડપથી શોધી કાઢી તાત્કાલિક સારવાર શરૂ થાય તે માટે આરોગ્ય તંત્રે ઝોન પ્રમાણે ટીમ બનાવી ઘરે ઘરે ફરી કામગીરી કરવામાં આવી રહી છે. છેલ્લા 10 દિવસમાં 5 લાખથી વધુ ઘરોનો સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે. દરમિયાન241 જેટલાં છુટાછવાયા સામાન્ય ઝાડાના તથા 900 જેટલા તાવના દર્દીઓ મળી આવ્યા છે.