સુરત : ચૂંટણી નજીક આવે ત્યારે કાર્યકરો અને નેતાઓ પક્ષપલટો કરતા હોય છે. આગામી સમયમાં ગુજરાત લોકસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે પક્ષપલટાનો દોર પણ શરૂ થઈ ચૂક્યો છે. આજે નર્મદા જિલ્લામાંથી કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી હરેશ વસાવાએ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. સુરતમાં હરેશ વસાવા પોતાના 150 જેટલા કાર્યકરો જોડે વિધિવત કોંગ્રેસમાંથી રાજીનામું ધરી ભાજપમાં જોડાઈ ગયા છે. કોંગ્રેસમાંથી વધુ એક નેતાએ પક્ષપલટો કરતા રાજકારણ ફરી એક વખત ગરમાયું છે.
કોંગ્રેસ નેતાનો પક્ષપલટો : આગામી લોકસભાની પહેલા કોંગ્રેસને એક ફટકો પડ્યો છે. નર્મદા જિલ્લામાંથી કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી હરેશ વસાવા પોતાના 150 જેટલા કાર્યકરો જોડે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. આજે સી.આર. પાટીલના હસ્તે તેઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. હરેશ વસાવાએ કહ્યું કે, કોંગ્રેસથી કોઈ નારાજગી નથી. પરંતુ વિકાસની યાત્રામાં જોડાવવા માટે આવ્યા છીએ. હું ચુંટણી લડવા પણ ઈચ્છતો નથી કે કોઈ પદ જોઈતું નથી. બસ વિકાસની યાત્રામાં જોડાવવા માટે આવ્યો છું.
ભાજપની વિકાસની જે ગતિ છે, તે વિકાસની ગતિમાં અમે જોડાવવા માટે આવ્યા છીએ. છેવાડાના ગામ સુધી જે વિકાસ લઈ ગયો છે તે વિકાસ હજુ વેગવંતો બને તે માટે અમે જોડાયા છીએ. કોંગ્રેસથી કોઈ નારાજગી નથી. પરંતુ વિકાસની યાત્રામાં જોડાવવા માટે આવ્યા છીએ. હું ચૂંટણી લડવા પણ ઈચ્છતો નથી કે કોઈ પદ જોઈતું નથી. બસ વિકાસની યાત્રામાં જોડાવવા માટે આવ્યો છું. -- હરેશ વસાવા
CR પાટીલનું નિવેદન : આ અંગે સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લામાંથી હરીશભાઈ વસાવા અને જયંતીભાઈ ભાજપમાં જોડાયા છે. હરીશભાઈ વર્ષ 2012 અને 2022 માં વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. એક વખત જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે ચૂંટાયા હતા. હાલમાં કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી હતા. આજે તેઓ કોંગ્રેસમાં રાજીનામું આપીને ભાજપમાં જોડાયા છે. અમે તેઓનું બીજેપીમાં સ્વાગત કર્યું છે. આદિવાસી સમાજના લોકોના વિકાસ અને ઉત્કર્ષ માટે તેઓને કામ કરવાની ઈચ્છા છે. એના કારણે લોકોને પણ ખુબ ફાયદો થશે. હું એમની સાથે જોડાયેલા 150 જેટલા અલગ અલગ પદ પરના કાર્યકરોનું બીજેપીમાં સ્વાગત કરું છું.