કમજોર છે, તારા થી નહી થાય, તારી કાયા કોમળ અને નાજુક છે, આવી વાતો કરનાર લોકોને સુરતની રોમા શાહ ખોટા સાબિત કરે છે. 21 વર્ષીય રોમા બિરેન શાહે પોતાના દેશ માટે જે કરીને બતાવ્યું છે તે અત્યાર સુધીમાં દેશની કોઇપણ મહિલા ખેલાડીએ કર્યુ નથી. રશિયાના મોસ્કો ખાતે યોજાયેલી વર્લ્ડ રો પાવર લિફ્ટિંગ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સતત ત્રીજા વર્ષે બે ગોલ્ડ સિલ્વર મેડલ મેળવી હેટ્રિક કરી છે. ત્રણ વર્ષમાં રોમાએ રો પાવર લીફટિંગમાં કુલ આઠ ગોલ્ડ અને બે સિલ્વર મેડલ મેળવ્યા છે. ચાલુ વર્ષે તો દુનિયાના વિવિધ 20 દેશોમાંથી 2000થી વધુ સ્પર્ધકો આ ચેમ્પિયનશિપમાં ભાગ લઈ રહ્યા હતા. તેમની વચ્ચે રોમાનું પ્રદર્શન કાબિલે તારીફ હતું. ત્રણ કેટેગરીમાં કુલ 330 કિલો વજન ઉચકીને તેણે પોતાના પ્રતિસ્પર્ધીઓને માત આપી હતી.
આ ચેમ્પિયનશિપમાં ભાગ લેનાર રોમા દેશની એક માત્ર ખેલાડી હતી. આ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે ખાસ મહેનતની જરૂર હોય છે. જેની માટે રોમાના કોચ યઝદ ભેંસાણીયાએ રોમાને તનતોડ મહેનત કરાવી હતી. કોચ યઝદના જણાવ્યા મુજબ, "આ ચેમ્પિયનશિપ વિશ્વની સૌથી મોટી ચેમ્પિયનશિપ છે અને તેમાં ભાગ લેવા માટે મહિલાઓને ખૂબ જ મહેનત કરવી પડે છે. અનેક પાસાઓમાં મહિલાઓ પુરૂષો કરતાં જુદી છે. મોસ્કોમાં -10 ડીગ્રી તાપમાન અને તે સમયે તેનુ વજન 1 કિલો વધી ગયું ત્યારે માત્ર ગણતરીના કલાકોમાં વજન ઓછું કરવમાં આવ્યુ હતું. સાથે કાર્ડિયાક થેરાપી આપવામાં આવી હતી".
રોમા વૈષ્ણવ પરિવારમાંથી આવે છે. જે ચુસ્ત શાકાહારી છે પરંતુ દેશ માટે ગોલ્ડમેડલ જીતવાનો તેની પ્રબળ ઈચ્છા જોઈ તેની માતા દીપા શાહે તેને દરેક રીતે સમર્થન આપવાનું નક્કી કર્યું અને માંસાહારી વાનગીઓ ખાવાની પરમિશન પણ આપી.માતાપિતા તેની ખૂબ કાળજી લે છે. દીપા શાહે જણાવ્યુ હતું કે, ત્રણ વર્ષ પહેલા તે માત્ર જીમમાં તેનુ વજન ઓછું કરવા લઈ આવી હતી. પરંતુ તેની રમત પ્રત્યેની જિજ્ઞાસા જોઈને અમે રોમાને સપોર્ટ કર્યો અને આજે ખુશી છે કે તેણે દેશ માટે ગોલ્ડ મેડલ જીત્યા છે.