કામરેજ તાલુકાનું એક એવું ગામ જ્યાં સમગ્ર ગામ પર મહિલાઓનું રાજ છે.ગ્રામપંચાયતમાં સરપંચથી લઇને સભ્ય સુધી તમામમાં મહિલાઓ છે.આ ગામનું નામ છે અલુરા.અલુરા ગ્રામપંચાયતમાં સરપંચ સહીત ૯ મહિલાઓ છે.આ ૯ મહિલાઓમાં ૬ મહિલાઓ આદિવાસી છે.આ આદિવાસી મહિલાઓ દિવસ દરમિયાન ખેતરમાં કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે.પંચાયતની સમગ્ર આદિવાસી મહિલાઓ ઓછુ ભણેલી હોવા છતાં સરપંચ સાથે મળીને ખુબ સારી રીતે ગામનું કામકાજ સંભાળે છે અને ગામના વિકાસમાં ભાગ ભજવે છે.ગામમાં રોડ રસ્તાથી માંડીને પેવર બ્લોકની પુરેપુરી સુવિધાઓ છે.પંચાયતની મહિલાઓ દ્વારા પંચાયત માટે જે નિર્ણય લેવામાં આવે છે,તે સમગ્ર ગ્રામવાસીઓને માન્ય રાખે છે.
સામાન્ય રીતે કોઈ પણ ગામના સરપંચ અને ડેપ્યુટી સરપંચ હોય છે, તેઓ આર્થિક રીતે મજબુત હોય છે, પણ અલુરા ગામના આદિવાસી ડેપ્યુટી સરપંચ સુમન બેન રાઠોડ આજે પણ સરદાર આવાસના સરકારે આપેલા ઘરમાં રહે છે.ઘરના ચુલા પર પોતાની રસોઈ બનાવે છે,પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે તેઓ દિવસભર બીજાના ખેતરમાં મજુરી અર્થે કામ કરવા જાય છે અને જે પણ પૈસા મળે તેનાથી પોતાના પરિવારનું પેટ ભરે છે.આજના સમયમાં જે સામાન્ય ડેપ્યુટી સરપંચ હોય છે તે આર્થિક રીતે સદ્ધર હોય છે અને ના પણ હોય તો થોડા સમયમાં સદ્ધર થઇ જાય છે. આ મહિલા છેલ્લા ૩ વર્ષથી પંચાયતના ડેપ્યુટી સરપંચના પદ પર છે તેઓ પ્રમાણિક પણે પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે.તેઓ દિવસ દરમિયાન ખેતરમાં કામ કરી ૧૫૦ રૂપિયા રોજ કમાય છે.
અલુરા ગ્રામપંચાયત એક સમરસ ગ્રામપંચાયત છે.સમરસ ગ્રામપંચાયતના લીધે ગ્રામ પંચાયતને લઈ ગામના લોકોએ એવું નક્કી કર્યું કે ગામમાં કોઈ પણ પ્રકાર ચૂંટણી વગર ગામનું સંચાલન મહિલાઓને આપી દેવામાં આવે જેથી છેલ્લી બે ટર્મથી ગ્રામપંચાયતમાં મહિલા દ્વારા કરવામાં આવે છે.ગામની આ મહિલાઓ સફળતાપૂર્વક ગામની દોર સંભાળે છે.અલુરા ગામમાં રોડ રસ્તાથી માંડીને પેવર બ્લોક,પીવાના પાણીની સુવિધા અનેક વિકાસના કામો સફળતા પૂર્વક આ મહિલાઓ પાર પાડ્યા છે.