જો કે, ફાયરની આ કામગીરી ફક્ત સામાન્ય નાગરિકો માટે જ હોવાનું સપાટી પર આવી રહ્યું છે. કારણકે ફાયર સેફ્ટીના મુદ્દે સરકારી કચેરીઓમાં જ ધાંધિયા જોવા મળી રહ્યા છે.
સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલી જિલ્લા સેવા સદન વિભાગ-2 માં A બ્લોક બિલ્ડીંગમાં આગની ઘટનાના સમયે અતિઆવશ્યક ગણાતા ફાયર સેફટીના સાધનો જેવા જે એક્સટિંગ્યૂશર સિલિન્ડર એક્સપાયરી ડેટ હાલતમાં જોવા મળી રહ્યા છે. જેને હજી સુધી રિફીલિંગ કરાવવામાં આવ્યા નથી. ગ્રાઉન્ડ ફ્લોરથી લઈ બીજા માળ સુધીના બ્લોકમાં તમામ એક્યુગીશર અને સીઓટુ સિલિન્ડરની મુદત પૂરી થઈ ગઈ છે છતાં આ સાધનોને રિફીલિંગ કરાવવામાં તંત્ર પોતાની આળસ દાખવી રહ્યું છે.
આગની ઘટનાના સમયે આ તમામ સાધનો અતિઉપયોગી ગણવામાં આવે છે અને આ સાધનો જ્યારે એક્સપાયરી ડેટ થઈ ચુક્યા હોય ત્યારે સુરત ફાયર વિભાગ પણ આની સામે આંખ આડા કાન કરી રહ્યું છે. જો આગની ઘટના બને તો આ સાધનો ઉપયોગમાં લઇ શકાય તેમ નથી. સુરત જિલ્લા સેવા સદન બિલ્ડીંગમાં જો આગ લાગે તો કૂવો ખોદવા જેવી સ્થિતિનું નિર્માણ થાય તેવા દ્રશ્યો હાલ સપાટી પર આવી રહ્યા છે. જે બાબત ખૂબ જ ગંભીર રીતે સામે આવી રહી છે, ત્યારે જિલ્લા સેવા સદનના અધિકારીઓ અને ફાયર વિભાગ પોતાની આળસ ક્યારે ખંખેરી ફાયર સેફટી મુદ્દે સજાગ થાય છે તે જોવા જેવું રહેશે.