સુરત : આજે સોનાનો ભાવ જોવા મળ્યો તે રેકોર્ડ બની ગયો છે. આજે સોનામાં તેજીનો ઘોડો એવો દોડ્યો જેનાથી ઓલટાઇમ હાઇની સપાટી બનાવી દીધી છે. આજ દિન સુધીની સૌથી ઉચ્ચ સપાટી પર આજે 10 ગ્રામ સોનાનો ભાવ 62000 રૂપિયા નોંધાયો છે. આટલો ઊંચો ભાવ આવતાં સામાન્ય લોકો મોંમાં આંગળા નાંખી હાલપૂરતી ખરીદી માંડવાળ કરવાનું મન બનાવે તો નવાઇ નહીં.
ભાવની સરખામણી : સોનાનો આટલો ઊંચો ભાવ આવતાં હવે સોનું ખરીદવું સામાન્ય લોકો માટે ખૂબ જ મુશ્કેલ થઈ પડ્યુંં છે. અમેરિકાની બેંક પોલીસી અને હાલ યુક્રેન રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે સોનાનો ભાવ આજ દિન સુધીના સૌથી ઉચ્ચ સપાટી પર પહોંચ્યો છે. વર્ષ 2010માં સોનાનો ભાવ 16,350 હતો તે હાલ 2023માં 62000 રૂપિયા પર પહોંચી ગયો છે. એટલે કે છેલ્લાં 13 વર્ષમાં સોનાના ભાવની સરખામણીએ જોઇએ તો સોનાના ભાવમાં રુપિયા 45000 કરતા પણ વધુનો ભાવ વધારો નોંધાયો છે.
આ પણ વાંચો Gold Price Hike: સોનાના ભાવે તોડ્યા રેકોર્ડ, 10 ગ્રામ દીઠ 1000નો ઉછાળો
540નો ભાવ : ઓલ ઇન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી ટ્રેડ ફેડરેશન દ્વારા આપવામાં આવેલા આકડા મુજબ વર્ષ 1975 માં 10 ગ્રામ સોનાનો ભાવ 540 રૂપિયા હતો. જ્યારે વર્ષ 1990 માં (10 ગ્રામ) સોનાનો ભાવ 3200 રૂપિયા, વર્ષ 2000 માં (10 ગ્રામ) 4400 રૂ., વર્ષ 2010 માં (10 ગ્રામ) 16,350 રૂ. અને વર્ષ 2023માં (10 ગ્રામ) સોનાનો ભાવ 62000 રૂપિયા પહોંચ્યો છે. જે આજ દિન સુધીની સૌથી ઊંચી સપાટી છે. જેના કારણે હવે લગ્નસરાની સીઝનમાં સોના ચાંદીના ભાવ વધતા હવે સામાન્ય વર્ગના લોકોને સોનું ખરીદવું એ સ્વપ્ન જેવું થઈ જશે.
હજુ ભાવ વધશે : સોમવારે સવારે લોકોને ખબર નહોતી કે સોનું ઓલ ટાઈમ હાઈ રેટ પર પહોંચી જશે. જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો માની રહ્યા હતા કે આ વર્ષે સોનું 62000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી જશે. પરંતુ માર્ચ મહિનામાં જ સોનાના ભાવે આ આંકડો ક્રોસ કરી લીધો છે. આ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો માની રહ્યા છે કે આવનાર દિવસોમાં સોનાનો ભાવ વધવાનો સિલસિલો યથાવત રહેશે.
જંગના કારણે તેજી : સોનાનો ઓલટાઇમ હાઇ સપાટીના ભાવ વધ્યાં છે તેની પાછળ જાણકારો અનુમાનો પણ લગાવી રહ્યાં છે. સોનાનો ભાવ વધવા પાછળ એક કારણ એ પણ છે કે ડોલર ઇન્ડેક્સમાં નબળાઈ જોવા મળી રહી છે તો અન્ય કારણમાં ગ્લોબલ માર્કેટમાં પણ સોનાના ભાવમાં અવતાર ચડાવ જોવા મળ્યા છે. એટલું જ નહીં રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે પણ સોનાનો ભાવ વધ્યો હોવાનું પણ કારણ છે.
આ પણ વાંચો Gold Price: બેંકના ઉઠમણા ને સોનું પહેલી વખત 60,000ને પાર
85,000 થઇ શકે : સુરતના જ્વેલર્સ દીપક ચોકસીએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી સોનાને ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. હાલ જે રીતે અમેરિકાની બેન્કોમાં અનેક નિયમો અને અસ્થિરતા જોવા મળી રહી છે અને બીજી બાજુ યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલી જંગના કારણે હાલ સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે. એટલું જ નહીં આવનાર દિવસોમાં પણ સોનાના ભાવમાં વધારો નોંધાશે. અમે માની રહ્યા છે કે 65,000 થી લઈને 85,000 સુધી સોનાનો ભાવ થઈ જશે. દર વર્ષે સોનાના ભાવમાં 12 ટકાનો વધારો નોંધાવતો હોય છે પરંતુ આ વર્ષે આ વધારો વધ્યો છે.
ઓછા વજનમાં દાગીના : ગોલ્ડ ખરીદવા માટે આવેલા શીતલબેને જણાવ્યું હતું કે અમે અહીં નેકલેસ લેવા માટે આવ્યા હતાં. પરંતુ ગોલ્ડ પ્રાઈઝ જોઈને હવે જે સાઈઝમાં નેકલેસ બનાવવાના હતા., તેને ઓછું કરી હવે ઓછા વજનમાં બનાવવા જઈ રહ્યા છે. પરંતુ જે રીતે આ લોકોએ જણાવ્યું છે કે ગોલ્ડ પ્રાઈઝ વધશે તેના કારણે અમે વિચારમાં પડી ગયા છે.