આ યોજનાના પરિણામે સુરતના વિજય રાઠોડ શાકભાજી વેચાણનો વ્યવસાય કરી પરિવારનું ભરણપોષણ કરે છે. વિજય રાઠોડ શાકભાજી વેચાણ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. શાકભાજીની હેરફેર માટે લારીની જરૂરિયાત હતી. પરંતુ નબળી આર્થિક સ્થિતિના કારણે લારી ખરીદવાના નાણાંનો બંદોબસ્ત કરી શકે તેમ ન હતા. એક મિત્ર દ્વારા માનવ ગરિમા યોજના વિષે જાણવા મળ્યું ત્યારે તેમના હરખનો પાર ન રહ્યો. બીજા જ દિવસે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો સંપર્ક કરતા જાણવા મળ્યું કે, માનવ ગરિમા યોજના અંતર્ગત હાથ લારી મેળવવા માટે તેઓ લાયક છે. જેથી લારી મેળવવા માટે અરજી કરી અને થોડા જ દિવસોમાં યોજનાના પ્રતાપે હાથલારીના માલિક બન્યા હતા.
ચહે પર સ્મિત સાથે આ વિજય જણાવે છે કે, હું ઘણા વર્ષોથી સંચા ખાતામાં મજૂરી કરૂ છું. જેમાં દિવસ-રાત પ્રમાણે પાળી હોવાથી ઘર અને પરિવારને સમય આપી શકતો ન હતો. જેથી મેં શાકભાજી વેચવાનું વિચાર્યું. થોડા દિવસ ભાડેથી લારી લાવી વેચાણ કર્યું, પણ ભાડાની લારી દ્વારા શાકભાજીનો ધંધો કરવો પરવડતો ન હતો. પોતાની માલિકીની લારી લેવાનું વિચાર્યું, પણ મારી પાસે એટલા પૈસા ન હતા, ત્યારે મારા મિત્ર પાસેથી જાણવા મળ્યું કે, પોતાનો વ્યવસાય શરૂ કરવા ઈચ્છતા અનુસૂચિત જાતિઓના યુવાનો માટે રાજ્ય સરકારની માનવ ગરિમા યોજનામાં અરજી કરી સહાય મેળવી શકાય છે.
આ યોજનાની માહિતીના આધારે વિજય જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં પહોંચ્યા અને ગણતરીના દિવસોમાં જ સહાય મેળવી હતી. વિજય ઉમેરે છે કે, ‘લારીની સાથે શાકભાજી રાખવાના 2 પ્લાસ્ટિકના મજબૂત કેરેટ પણ આપવામાં આવ્યા છે. હવે હું હાથ લારી થકી ગલી, મહોલ્લામાં શાકભાજીનું વેચાણ કરીને રોજના 350-400 રૂપિયા આરામથી રોજગારી મેળવી લઉં છું.
રાષ્ટ્રના/સમાજના નબળા વર્ગોના અને ખાસ કરીને અનુ. જાતિ અને અનુસુચિત આદિ જનજાતિઓના શૈક્ષણિક હેતુની અભિવૃદ્ધિ કરવા વિશેષ કાળજી લઇ રહેલી રાજ્ય સરકારે અનુસુચિત જાતિઓના સર્વાંગી વિકાસની અનેકવિધ યોજનાઓ અમલમાં મુકી છે. માનવ ગરિમા યોજના હેઠળ જરૂરતમંદ વ્યકિતઓએ તેમના વ્યવસાયની જરૂરિયાત અનુસાર સ્વરોજગાર કિટ્સ મેળવી છે, જેના થકી વિજય જેવા અનેક યુવાનોની જિંદગીમાં આત્મવિશ્વાસનો સંચાર થયો છે.