સુરત: સિધુ મૂસેવાલા હત્યાકાંડ બાદ ચર્ચામાં આવેલા લોરેન્સ બિશ્નોઈ અને સંપત નહેરા ગેંગના સાત સાગીરતો સુરતથી ઝડપાયા છે. સુરત ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી હતી કે રાજસ્થાનમાં આવેલ ઝુંઝનું જિલ્લાના પીલાની શહેરના કુખ્યાત પીલાની ગેંગ સાથે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને સંપત નહેરા ગેંગના રંજીસના કારણે લોરેન્સ ગેંગના દેવેન્દ્રસિંહ શેખાવત સહિત અન્ય સાત લોકો રાજસ્થાન છોડીને સુરત શહેર આવી ગયા હતા અને તેઓ સુરતના પોશ વિસ્તારમાં છુપાયેલા હતા. પોલીસે બાતમીના આધારે આ તમામની સુરત શહેરના પીપલોદ વિસ્તારમાં આવેલી સારસ્વત નગરથી ધરપકડ કરી છે.
વર્ષ 2010થી જોડાયેલો છે ગેંગમાં : ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર લલિત વાઘડીયાએ જણાવ્યું હતું કે, દેવેન્દ્રસિંહ શેખાવતએ શેખાવતી વિસ્તારમાં વર્ચસ્વની લડાઈ માટે ગેંગસ્ટર લોરેન્સ બિસ્નોઈ ગેંગના સંપત નેહરની ગેંગમાં વર્ષ 2010થી જોડાયેલો છે અને રાજસ્થાનના શેખાવતી વિસ્તારમાં દેવેન્દ્રસિંહએ ગેરકાયદેસર શરાબનો વેપાર પણ કરે છે. આજ વિસ્તારમાં શરાબના ધંધાની અદાવતમાં દેવેન્દ્ર શેખાવત અને અજય પુનિયા સાથે વર્ષ 2019માં ગેંગવાર પણ થયો હતો. જેમાં અજય પુનિયાની હત્યામાં આ લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી.
ડીસમિસ કરાયેલા પોલીસ કોન્સ્ટેબલ પણ શામેલ: સુરત ક્રાઈમ બ્રાન્ચે 37 વર્ષીય દેવેન્દ્રસિંહ શેખાવત, 41 વર્ષીય રાજસ્થાન પોલીસમાંથી ડીસમિસ કરાયેલા પોલીસ કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ભગવાનસિંહ રાઠોડ, 29 વર્ષીય કિશનસિંહ રાઠોડ, 37 વર્ષીય પ્રતિપાલ સિંહ તવર 25 વર્ષીય અજયસિંહ ભાટી, 34 વર્ષીય મોહિત યાદવ અને 33 વર્ષીય રાકેશ સેનની ધરપકડ કરી છે. આ સાત આરોપી પૈકી પ્રતિપાલસિંહએ દેવેન્દ્ર શેખાવતનો બનેવી છે, મોહિત યાદવ અને કિશનસિંહ રાઠોડએ દેવેન્દ્ર શેખાવતના મિત્ર છે. દેવેન્દ્ર શેખાવત પોતાની સાથે ડ્રાઇવર અજયસિંહ ભાટી અને કુક રાકેશ સેનને પણ સુરત લઈ આવ્યો હતો.
આ પણ વાંચો: Manish Sisodia Arrest: લાંચ લેવા અને પુરાવાનો નાશ કરવાના આરોપમાં મનીષ સિસોદિયા 5 દિવસના CBI રિમાન્ડ પર
મોબાઈલ નંબરો પણ બંધ કરી દીધા : સાથે તેઓએ જણાવ્યું હતું કે, આ ગેંગમાં શામેલ અને હાલ ધરપકડ કરાયેલા રાજસ્થાન પોલીસમાંથી ડીસમિસ થયેલા પોલીસ કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ભગવાનસિંહ રાઠોડ વર્ષ 2001માં રાજસ્થાન પોલીસમાં ભરતી થયા હતા. આ તમામ લોકો સુરતમાં આશરો લેવા માટે આવ્યા હતા અને અહીં સુરતમાં તેમના ઓળખીતા કિશનસિંહ રાઠોડનો સંપર્ક પણ કર્યો હતો. આ લોકોએ પીપલોદ ખાતે આવેલા સારસ્વત નગરના મકાન નંબર સાઈડનો રૂમ ભાડે પણ લીધો હતો. એટલું જ નહીં તેઓએ પોતાના પંજાબ અને રાજસ્થાન તેમજ હરિયાણાના સંપર્ક વાળા મોબાઈલ નંબરો પણ બંધ કરી દીધા હતા.