સુરત: ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદના ત્રીજી ઇનિગ્સ ચાલુ થઈ ગઈ છે. ભારતીય મોસમ વિભાગ દ્વારા પણ સૌરાષ્ટ્ર,દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ફરી એકવાર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે મોસમ વિભાગની આગાહી વચ્ચે ભારેથી અતિભારે વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું છે. સુરત જિલ્લાની વાત કરીએ તો સુરત જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી મેઘરાજાએ વિરામ લીધો હતો જેને લઇને બફારાના પ્રમાણમાં વધારો થઈ ગયો હતો.
"ગણતરીની કલાકોમાં જ ધોધમાર વરસાદ વરસતા આ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.અમારી ટીમો સતત પેટ્રોલિંગ કરી રહી છે જ્યાં પણ ડ્રેનેજ લાઈન બ્લોક છે ત્યારે કામગીરી શરૂ છે"-- રિંકું ભાઈ (NHAI વિભાગના સુપર વાઇઝર)
ઘરમાં પાણી: ત્યારે આજરોજ સવારથી જ કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને સુરત જિલ્લાના બારડોલી, પલસાણા, કડોદરા, કામરેજ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થઈ ગયું હતું. થોડા દિવસના વિરામ બાદ વરસેલા ધોધમાર વરસાદે મોટા ઉપાડે પ્રિ-મોન્સુન કામગીરીની વાત કરતા સ્થાનિક તંત્રની પોલ ખોલી નાખી હતી. પલસાણા તાલુકાના કડોદરા વિસ્તારમાં આવેલી શાંતિનગર સહિતની સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલના અભાવે ઘૂંટણ સમાં પાણી ભરાઈ ગયા હતા.અને લોકોના ઘરમાં પાણી પ્રવેશી ગયા હતા.
હાલાકી ભોગવવાનો વારો: જેને પગલે લોકો ડોલની મદદથી પાણી ઉલેચવાની કામગીરી કરવી પડી હતી.જ્યારે સુરત જિલ્લામાં પસાર થતા નેશનલ હાઇવે પર પણ પાણી ફરી વળ્યા હતા કામરેજ તાલુકાના ઊંભેળ ગામ પાસે સર્વિસ રોડ પર પાણી ભરાઈ ગયા હતા અને કડોદરા બારડોલી નેશનલ હાઇવે પર પણ પાણી ભરાઈ ગયા હતા જેને લઇને નેશનલ હાઇવે પર પસાર થતા વાહનોની સ્પીડ ઘટી ગઈ હતી અને વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.