- બારડોલીની મીંઢોળા નદીમાં ઉપરવાસમાંથી કેમિકલયુકત પાણી આવતા અસંખ્ય માછલાના મોત
- આ અંગે લોકોને જાણ થતાં માછલા પકડવા લોકો દોડી આવ્યા
- અગાઉ પણ અનેકવાર આવી ઘટના બની ચુકી છે
બારડોલી: બારડોલીની મીંઢોળા નદીમાં ઉપરવાસમાંથી કેમિકલયુકત પાણી આવતા અસંખ્ય માછલાના મોત થતાં મોટી સંખ્યામાં લોકો માછલા પકડવા માટે એકત્રિત થયા હતા. દર વર્ષે મીંઢોળા નદીમાં ઉપરવાસમાં આવેલી કોઈ ફકેટરીમાંથી વારંવાર કેમિકલયુક્ત ગંદુ પાણી છોડી દેવામાં આવે છે. જેને કારણે સંખ્યાબંધ માછલીઓ અને નદીમાં રહેતા અન્ય જળચર પ્રાણીઓ અને જીવજંતુઓ મોતને ભેટે છે.
ગત ફેબ્રુઆરી માસમાં પણ દૂષિત પાણીને કારણે અનેક માછલાના થયા હતો મોત
ગત ફેબ્રુઆરી માસ બાદ ફરી એક વખત ઉપરવાસમાંથી કેમિકલ વાળું પાણી આવતા જ નદીનું પાણી કાળા રંગનું થઈ ગયું છે. કેમિકલવાળા ઝેરીલા પાણીને કારણે અસંખ્ય માછલીઓ મરી ગઈ છે. મૃત માછલા મળી આવતા નદીના આજુબાજુ વિસ્તારમાં રહેતા લોકો માછલી પકડવા દોડી આવ્યા હતા. મૃત માછલીઓ લોકો ખાવા માટે લઈ જતા તેમના આરોગ્યને નુકસાન થવાની સંભાવના સેવાઇ રહી છે. મોટા ભાગના લોકો કેમિકલના પાણીથી મરી ગયેલી માછલીઓને લઇ ગયા હતા.
બારડોલીની મીંઢોળા નદીમાં ફરી કેમિકલ યુક્ત પાણી આવતા માછલાના મોત પાલિકા તંત્રને મોડી જાણ થઈ મહત્વની વાત તો એ હતી કે સવારથી નદીમાંથી મૃત માછલા મળી રહ્યા હોવા છતાં પાલિકાનો આરોગ્ય વિભાગ આ વાતથી તદ્દન અજાણ હતો. બાદમાં મોડે મોડે જાણ થતાં પાલિકાનો આરોગ્ય વિભાગ અને પાણી પુરવઠા વિભાગ સ્થળ પર પહોંચ્યા હતાં.
સાવચેતીને ધ્યાનમાં લઈ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ કરાયો બારડોલીની મીંઢોળા નદીનુ જ પાણી સમગ્ર શહેરના લોકોને પહોંચાડવામાં આવે છે. પાણીને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના મારફતે શહેરના લોકો સુધી પહોંચાડાય છે. જેનો લોકો પીવા માટે ઉપયોગ કરે છે. પરંતુ કેમિકલ યુક્ત દૂષિત પાણી આવતા માછલીઓના મોત થઈ રહ્યા છે. ત્યારે મોડે મોડે જાગેલા પાલિકા તંત્રએ લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખી નદીમાંથી લેવામાં આવતું પીવાના પાણીનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ કરી દીધો હતો. હાલ પાલિકાએ બોરવેલમાંથી નાગરિકોને પાણી આપવાનું શરૂ કર્યું છે.
ફેબ્રુઆરી માસમાં મઢી સુગર ફેક્ટરીને દૂષિત પાણી છોડવા બદલ જીપીસીબીએ નોટિસ પણ આપી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ગત ફેબ્રુઆરી માસમાં પણ અનેક માછલાના દૂષિત પાણીને કારણે મોત થયા હતા. અત્યંત કાળુ અને કેમિકલયુક્ત પાણીને કારણે જે તે સમયે ઘણા દિવસો સુધી નગરપાલિકાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ બંધ રાખવાની ફરજ પડી હતી. પાલિકાએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં કરેલી ફરિયાદ બાદ દૂષિત પાણીનું પગેરુ મઢી સુગર ફેક્ટરીમાં મળી આવતા જીપીસીબીએ મઢી સુગરને નોટીસ ફટકારી હતી. જો કે હવે ફરી એક વખત કોઈ ઉદ્યોગ દ્વારા દૂષિત પાણી છોડવામાં આવ્યું હોય જીપીસીબીની કામગીરી સામે પણ પ્રશ્નાર્થ ઊભા થયા છે.