સુરત: ફેસ્ટિવલ સિઝનમાં લોકો મીઠાઈ સહિતની વસ્તુઓ ખરીદતા હોય છે. જેમાં ઘીનો ઉપયોગ કરાય છે. આ ધી સ્વાસ્થ્ય માટે યોગ્ય છે કે નહીં તે અંગેની તપાસ સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા હાથ ધરાઈ છે. શહેરમાં પાલિકાના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા શંકાસ્પદ ઘી ના નમુના લેવાયા છે. ઘીના નમૂના તપાસ માટે લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યા છે. આશરે 3,336 લીટર ઘી જપ્ત કરી આગળની કાર્યવાહી પાલિકાના અધિકારીઓ દ્વારા શરૂ કરવામાં આવી છે.
"હાલ સંસ્થામાંથી ઘી ના નમુના લેવાયા છે. તેને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. ઘરની અંદર આ સંસ્થા દ્વારા શંકાસ્પદ ઘી બનાવવામાં આવી રહ્યું હતું. 3336 લીટર ઘી જપ્ત કરી સીઝ કરવામાં આવ્યું છે. દસ લાખનું આ ઘી છે"-- ડી.કે પટેલ ( ફૂડ સેફટી ઓફિસર)
શંકાસ્પદ ઘી: તહેવારોના સીઝનમાં ભેળસેળયુક્ત મીઠાઈ કે અન્ય વસ્તુઓ લોકોના સ્વાસ્થ્યને નુકસાન ન પહોંચાડે આ માટે સુરત મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા શહેરના વરાછા ઝોન એ માં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવી હતી. ફૂડ વિભાગના અધિકારીઓને જાણકારી મળી હતી કે, શહેરના પુણાગામ વિસ્તારમાં એક સંસ્થા દ્વારા મકાનની અંદર શંકાસ્પદ ઘી બનાવવામાં આવી રહે છે. આ બાતમી ના આધારે દસથી પણ વધુ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સીમાડા રોડ ખાતે આવેલા ગોદાવરી પાર્ક સોસાયટીમાં ચાલી રહેલ એક શંકાસ્પદ ઘી બનાવનાર સંસ્થાની ચકાસણી કરી ઘી ના નમૂના લઇ તેને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
રાજકોટમાં 37 ખાણીપીણીની દુકાનમાં ચેકીંગ: રાજકોટ ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના રામ પાર્ક, આજી ડેમ ચોકડી પાસે -માંડા ડુંગર, વિમલનગર ચોક, એ.જી. ચોક- હોકર્સ ઝોન વિસ્તારમાં આવેલ ખાદ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ 37 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવ્યું હતું. જેમાંથી 20 જેટલા ધંધાર્થીઓને લાયસન્સ બાબતે સૂચના આપવામાં આવી છે. તેમજ ખાદ્ય ચીજોના કુલ 30 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.