સુરત : શહેરમાં એક બાદ એક રિલ્સ બનાવવા માટેના જોખમી વિડીયો અથવા તો સ્ટંટના વિડીયો સામે આવી રહ્યા છે. આ બાબતે પોલીસ પણ એક્શન મોડમાં છે. જે વિડીયો વાયરલ થયા તેમની સામે કાર્યવાહી પણ થઈ રહી છે. ત્યારે એક ચોકાવનારો વિડીયો સામે આવ્યો છે. જેમાં એક પિતાએ તેના દસ વર્ષના પુત્રને મોપેડનું સ્ટેરીંગ સોંપી દીધું હતું. તેમનો નાનો પુત્ર પુરપાટ વાહન હાંકી રહ્યો છે. બે દિવસ પહેલા આ વિડીયો વાયરલ થયો હતો. સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતાં જ સુરત ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
વાયરલ વિડીયો : પિતાની ધરપકડ પોલીસમાંથી મળતી સત્તાવાર માહિતી અનુસાર સુરત શહેરના ડભોલી બ્રિજ પર એક પિતાએ પોતાના બાળકને બેફિકર થઈને મોપેડનું સ્ટેરીંગ આપી દીધું હતું. અહીં જાણે જન્મદાતા યમરાજ હોય તેવું લાગી રહ્યું છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા વાહનના રજીસ્ટ્રેશન નંબરના આધારે ટ્રાફિક પોલીસે પિતા ગૌરવ પટેલની ધરપકડ કરી છે. પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે. અડાજણ પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. વિડીયોના આધારે કહી શકાય કે મોપેડ 40 થી વધુ સ્પીડમાં ચાલી રહ્યું હતું.
વાલીઓને અમે સૂચના આપીએ છીએ કે પોતાના બાળકોને લાઇસન્સ વગર વાહન આપે નહીં. ખાસ કરીને ધ્યાન આપે કે તેઓ કઈ રીતે વાહન ચલાવી રહ્યા છે. વિડીયો અથવા તો રિલ્સ બનાવવા માટે જોખમી રીતે વાહન તો હાંકી રહ્યા નથી ? વાલીઓ પણ કાળજી લે કે, તેઓના કારણે પણ બાળકોને નિયમ ભંગ કરવા માટે પ્રેરણા ન મળે. જે લોકો નિયમ ભંગ કરશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.-- અમિતા વાનાણી (DCP, સુરત)
પોલીસ કાર્યવાહી : નિયમ પાલન કરવા માટે વાલીઓ બાળકોને પ્રેરણા આપતા હોય છે. પરંતુ આ વિડીયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે, કઈ રીતે એક પિતા પોતાના જ બાળકને નિયમ ભંગ કરવા માટે પ્રેરણા આપી રહ્યો છે. અહીં માતા-પિતાએ ગંભીર થવાની જરૂર છે. કારણ કે, એક ભૂલના કારણે તેમના બાળકો અને અન્ય લોકોના જીવ જોખમમાં મુકાઈ શકે છે. સુરત પોલીસે પણ સ્પષ્ટ કરી દીધું છે કે, જો કોઈ પણ આવી રીતે નિયમ ભંગ કરશે એમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.