- તૌકતે વાવઝોડા દરમિયાન ઓલપાડ તાલુકામાં પડ્યો 6 ઈંચ વરસાદ
- ખેતરોમાં પાણી ભરાઈ જતા સુગરે પીલાણ કામગીરી કરી બંધ
- ખેડૂતોએ ઉભા પાક પર ટ્રેકટર ફેરવીને પાકનો નાશ કરવાનું શરૂ કર્યું
સુરત: તૌકતે વાવાઝોડા દરમિયાન સુરતના ઓલપાડ તાલુકામાં 6 ઈંચ વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે તાલુકામાં મોટાપાયે શેરડીના વાવેતર સાથે સંકળાયેલા ખેડૂતોને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે. ખેતરમાં પાણી ભરાઈ જતા શેરડીના ઉભા પાકને નુક્સાન પહોંચ્યું છે. સુગર ફેક્ટરી દ્વારા ખેતરમાં ઉભી રહેલી શેરજીના પાકના રૂપિયા આપવાનું નક્કી કરતા જે પાકને નુક્સાન પહોંચી ગયું છે, તેવા પાક પર ટ્રેક્ટર ફેરવવાનું ખેડૂતોએ શરૂ કર્યું છે. ઓલપાડ તાલુકાના સિવાણ ગામના ખેડૂત કિશોરભાઈએ પોતાના 16 વીઘા ખેતરમાંની શેરડી પર ટ્રેક્ટર ફેરવવાનું શરૂ કર્યું છે.
2100 એકરમાં પાક ઉભો છે શેરડીનો પાક
ભારે વરસાદને લઈને ખેતરમાં પાણી ભરતા સાયણ શુગર દ્વારા કાપણી કર્યા વગર જ પીલાણની કામગીરી બંધ કરી દેવામાં આવી છે અને ખેડૂતોને ઉભા શેરડીના પાકના રૂપિયા આપવાનું નક્કી કર્યું છે. ત્યારે આ નિણર્યના લીધે સાયણ સુગર પર વધારાનો 13થી 15 કરોડનો બોજો પડશે. નોંધનીય છે કે, જિલ્લામાં 2100 એકર જેટલી જમીન પર ખેડૂતો દ્વારા શેરડીનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. જે પૈકી મોટાભાગનો પાક વાવાઝોડાના કારણે અસરગ્રસ્ત થયો છે.