- ટિકટોક પર પણ હતો લોકપ્રિય
- સ્થાનિક સુરતી ભાષામાં બનાવતો હતો વીડિયો
- હજારો ચાહકોમાં શોકની લહેર
સુરત: યુટ્યુબ પર સ્થાનિક ભાષામાં રોજિંદા જીવનને કેમેરામાં કેદ કરી લોકોને મનોરંજન પૂરું પાડવા સોમલો ભીખલો યુટ્યુબ ચેનલમાં મનીયાનું પાત્ર ભજવનારા ઉમેશ રાઠોડનું શુક્રવારે સાંજે અવસાન થયું છે. તે કોરોના સંક્રમણને કારણે હોસ્પિટલમાં દાખલ હતો. તેમના અવસાનથી બારડોલી પંથકમાં શોકની લહેર ફેલાય છે.
આ પણ વાંચોઃ સોશિયલ મીડિયા ક્રિએટર્સની અનોખી પહેલ, ભુવન બામ સહિત સ્ટાર્સ જોડાયા
સ્થાનિક સુરતી ભાષામાં મનોરંજન પૂરું પાડતો હતો
બારડોલી વિસ્તારમાં લોકપ્રિય થયેલી સોમલો ભીખલો યુટ્યુબ ચેનલમાં સ્થાનિક સુરતી ભાષામાં લોકોને મનોરંજન પૂરું પાડતા ઉમેશ રાઠોડને કોરોના થતાં સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આશરે 31 વર્ષની ઉંમરના ઉમેશ રાઠોડની તબિયત વધુ લથડતા તેને ઓક્સિજન સપોર્ટની જરૂર પડી હતી. જો કે, તબિયતમાં સુધારો આવ્યો નહોતો અને તેમનું અવસાન થયું છે.
![ઉમેશ રાઠોડ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-surat-rural-04-somlo-bhikhlo-photo-story-gj10039_21052021221453_2105f_1621615493_200.jpg)
40,000થી વધુ હતા સબ્સ્ક્રાઇબર
સોમલો ભીખલો યુટ્યુબ ચેનલમાં તે મનીયાનું પાત્ર ભજવતો હતો અને લોકોમાં ખાસ્સી લોકપ્રિયતા પ્રાપ્ત કરી હતી. તેમની ચેનલને 40,000થી વધુ સબ્સ્ક્રાઇબર ઉપરાંત 1.50 લાખથી વધુ વ્યુવર્સ હતા. નાના છોકરાઓમાં મનીયાનું પાત્ર ખૂબ જ લોકપ્રિય હતું. ઉમેશ એક સારો ડાન્સર પણ હતો. તેમના અચાનક અવસાનના સમાચાર મળતા ચાહકોને પણ આંચકો લાગ્યો હતો.