ડિસેમ્બર મહિનામાં 66 બાળકોએ જીવ ગુમાવ્યા જયારે નવેમ્બર મહિનામાં 69 બાળકોના મોત થયા હતાં. વર્ષ 2018માં 907 બાળકોએ જીવ ગુમાવ્યા હતા. છેલ્લા ચાર વર્ષમાં 2965 બાળકોના મૃત્યુ થયા છે. આ સમગ્ર આંકડાઓ સામે આવતા સ્વાસ્થ્ય વિભાગ હરકતમાં આવ્યું છે.
આજે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે રાજ્યના આરોગ્ય પ્રધાન કિશોર કાનાણી પહોંચ્યા હતા અને જણાવ્યું હતું કે, આ સમગ્ર ઘટનાક્રમ અંગે તપાસ કરવામાં આવશે. કાનાણીએ જણાવ્યુ હતું કે, પ્રાઇવેટ હોસ્પિટલોમાંથી જે બાળકોને સાધનના અભાવ અથવા આર્થિક તંગીના કારણે મોકલી આપવામાં આવે છે અને આવા બાળકો ખૂબ જ ગંભીર અવસ્થામાં હોય છે તેઓનું સિવિલ ખાતે સારવાર દરમિયાન મૃત્યુ થાય છે.
તેમજ તેઓએ વધુમાં કહ્યું કે, આવા કિસ્સામાં પ્રાઇવેટ હોસ્પિટલોની તપાસ કરવામાં આવશે અને ભવિષ્યમાં પગલાં પણ ભરીશું. સાથે તેઓએ જણાવ્યું હતુ કે, સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોની અછત છે પરંતુ આરોગ્ય મંત્રાલય તે માટે તત્પર છે. ડોકટરોની અછતને દૂર કરવા માટે મેડિકલ સીટ પણ વધારી દેવામાં આવી છે.