સુરત : સુરતમાં દોઢ મહિનાના વિરામ બાદ ફરી પાછી ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ છે. સમગ્ર સુરતમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું. જોકે સાંજ થતાની સાથે જ એકાએક ધોધમાર વરસાદ શરૂ થયો છે. આ પહેલા જ હવામાન વિભાગે 7 થી 12 સપ્ટેમ્બર સુધી સુરત સહિત અન્ય જિલ્લાઓમાં એક દિવસ ભારે અને બે દિવસ હળવો વરસાદ અને પાંચ દિવસ સુધી હળવા વરસાદની આગાહી વ્યક્ત કરી છે.
સાર્વત્રિક વરસાદ : સુરત શહેરમાં અડાજણ, રાંદેર, જાગીરપુરા, પાલ, કતારગામ, અમરોલી, નાના વરાછા, મોટા વરાછા, ઉધના, લિંબાયત, ડીંડોલી, ગોડાદરા, પાંડેસરા, અલથાણ, વેસુ, પીપલોદ, અઠવાલાઇન્સ, ડુમસ, ઈચ્છાપુર અને કવાસ સહિત સમગ્ર શહેરમાં અંધારપટ વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જોકે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોને ગરમી અને બફારાથી રાહત થઈ છે. દોઢ મહિના સુધી વરસાદની ગેરહાજરી હોવાના કારણે લોકો ગરમીથી બફાટ અનુભવી રહ્યા હતા.
હવામાન વિભાગની આગાહી : સમગ્ર સુરતમાં સાંજ થતાની સાથે જ એકાએક ધોધમાર વરસાદ શરૂ થયો છે. ત્યારે બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જે લો પ્રેશર પરિણમતા આજથી 12 તારીખ સુધી ફરી વરસાદી માહોલ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. 27 જુલાઈ બાદ વરસાદ નહીં વરસતા લોકો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગની આ આગાહી લોકો માટે નવી આશા લઈને આવી છે.
વાતાવરણનો હિસાબ : ઉલ્લેખનીય છે કે, વરસાદના અભાવના કારણે શેરડી, ડાંગર અને શાકભાજીના પાકને અસર થઈ રહી છે. સુરતમાં ગઈકાલે સાંજથી વાદળછાયું વાતાવરણ છવાયેલું હતું. મોડી રાત્રે પણ એકાએક વરસાદ પડ્યો હતો. પરંતુ આ વખતે જમીન ભીની થાય તેવો વરસાદ પડ્યો હતો. ત્યારે આજે પણ દિવસ દરમિયાન આકરી ગરમી અનુભવાઈ હતી. ગઈકાલે સુરતમાં ગરમીનો પારો 32.6 ડિગ્રીથી વધીને 34.6 ડિગ્રી અને રાત્રીનો પારો 22 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઊંચું રહેતા બફારો પણ અનુભવાઈ રહ્યો હતો. સુરત સહિત દેશભરમાં જન્માષ્ટમીનો તહેવાર રંગેચંગે ઉજવવામાં આવી રહ્યો હતો. ત્યારે તહેવારમાં વરસાદ વરસતા લોકોનો ઉત્સાહ વધ્યો હતો. ઉપરાંત માટલી ફોડનાર ટીમ આવા જ ધોધમાર વરસાદમાં માટલી ફોડે એટલે તહેવારને ચાર ચાંદ લાગી ગયા હતા, તેવું કહી શકાય છે.