- બારડોલી- નવસારી રોડ પર બની ઘટના
- ડમ્પર ચાલકનો ચમત્કારિક બચાવ
- લાંબા સમયથી જર્જરિત છે આ પુલ ડમ્પર ચાલક
સુરત: બારડોલી- નવસારી રાજ્ય ધોરીમાર્ગ પર તાજપોર કોલેજ પાસેથી પસાર થતી ડભોઇ ખાડી પર આવેલો પુલ અતિ જોખમી સાબિત થઈ રહ્યો છે. અહી અનેક વખત વાહનોના અકસ્માતના બનાવો બની રહ્યા છે. શુક્રવારે સવારે બારડોલીથી નવસારી તરફ ડમ્પર લઈને જઈ રહેલા ચાલક પ્રિતેશ પ્રભાત વસાવાએ ડભોઇ ખાડીના પુલ નજીક વળાંકમાં સ્ટિયરીંગ પરથી કાબૂ ગુમાવી દેતાં ડમ્પર રેલિંગ તોડી સીધું ડભોઇ ખાડીમાં 40 ફૂટ નીચે ખાબક્યું હતું.
ચાલકને પગમાં થયું ફ્રેકચર
આ અકસ્માતમાં ડમ્પરના ચાલક પ્રિતેશને ઇજા થતાં તાત્કાલિક બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને જમણા પગે ફ્રેકચર અને શરીરે સામાન્ય ઇજા થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.
2018માં પણ એક ટ્રક આ જ જગ્યાએ પડી હતી
ગત 24મી એપ્રિલ 2018ના રોજ આ જ બ્રિજ પરથી એક ટ્રક પણ ખાડીમાં પડી હતી. નસીબજોગે તે સમયે પણ ટ્રક ચાલકને સામાન્ય ઇજા સિવાય કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી. ત્યારે પણ રેલિંગ તૂટી જતાં પુલને વધુ નુકસાન થયું હતું. જોકે તંત્ર ત્યાર બાદ લોખંડની રેલિંગ લગાવી હતું પરંતુ ફરી એક વખત ડમ્પરે રેલિંગ તોડી નાંખતા આ જર્જરિત પુલ વધુ જોખમી બન્યો છે.
પાંચ વર્ષ પહેલા આ જ દિવસે પુર્ણા નદીમાં બસ પડતાં 40થી વધુના મોત થયા હતા
આજથી પાંચ વર્ષ અગાઉ આજ રોડ પર સુપા ગામે પુર્ણા નદીના બ્રિજ પરથી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહારની બસ નદીમાં પડી હતી. જેમાં 40થી વધુ મુસાફરોના મોત થયા હતા. જેની આજે શુક્રવારના રોજ પાંચમી વર્ષી છે. ત્યારે નજીકમાં જ વધુ એક વખત ડમ્પર પુલ પરથી નીચે ખાબકતાં આજુબાજુના વિસ્તારના લોકોમાં એ દુઃખદ ઘટનાની યાદ તાજી થઈ ગઈ હતી.