સુરત: સુરતના પર્વતગામ વિસ્તારમાં પતિના ત્રાસના કારણે પત્નીએ ઘરમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આપઘાત પહેલા પત્નીએ પોતાના હાથ પર હિન્દીમાં પતિના ત્રાસ અંગેનું લખાણ લખ્યું હતું. પરિણીતાએ આપઘાત કરતા બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે. મૂળ ઝારખંડની વતની સીતાબેનના લગ્ન તેના વતન નજીક આવેલા ડોરડા ગામ ખાતે રહેતા પ્રવીણ છોટીનાથ ગોસ્વામી સાથે સમાજના રીતિ રિવાજ મુજબ વર્ષ 2014માં થયા હતા.
રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો: મહિલાના પરિવારજનોએ પતિ સામે ફરિયાદ આપતા પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પરિવારે જણાવ્યું હતું કે, લગ્ન બાદ દંપતી સુરત રહેવા આવી ગયું હતું અને હાલમાં તેઓ પર્વત ગામ સ્થિત ગીતાનગર ખાતે રહેતા હતા. લગ્નગાળા દરમ્યાન દંપતીને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. જયારે પતિ પ્રવીણ ગોસ્વામી રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. લગ્ન થયાના 3 વર્ષ બાદ પ્રવીણ ગોસ્વામી તેની પત્નીને અવાર નવાર મ્હેણાં ટોણા મારવાનું શરુ કર્યું હતું અને તું દહેજમાં કશું લાવી નથી તેમ કહી હેરાન પરેશાન કરવાનું શરુ કર્યું હતું. વર્ષ 2022માં પરિણીતા પતિના ત્રાસના કારણે બાળકોને લઈને વતનમાં તેના પિતાના ઘરે પણ જતી રહી હતી.
આ પણ વાંચો Surat news: સુરતમાં એક સાથે બે વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત
ઘરમાં ફાંસો ખાઈ આપઘાત: વર્ષ 2018માં પતિએ પત્નીને ત્રાસ આપતા તેનો ભાઈ અને માતા ખબર અંતર પૂછવા સુરત આવ્યા હતા. જેમાં પતિએ પત્ની સાથે ઝઘડો કરી તું તારા ભાઈ તેમજ માને કેમ અહીંયા બોલાવે છે તેમ કહી તેના ભાઈ સાથે મારામારી કરી સાળા અને સાસુને રાત્રીના સમયે ઘરમાંથી કાઢી મુક્યા હતા. દરમ્યાન 24 જાન્યુઆરીના રોજ પતિ શંક વહેમ રાખી તેને શારરિક અને માનસિક ત્રાસ આપ્યો હતો. પરિવારનો આક્ષેપ છે કે આ કારણસર પરિણીતાએ પોતાના જ ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
પતિ વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો: લિંબાયત પીએસઓ પાસેથી મળતી માહિતી મુજબ આપઘાત કરતા પહેલા પરિણીતાએ પોતાના હાથ પર પતિના ત્રાસ અંગેનું લખાણ પણ લખ્યું હતું. બીજી તરફ આ સમગ્ર મામલે પરિણીતાના ભાઈ બાસુદેવ ભીમ ગૌસ્વામીએ લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે પતિ વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.